HomeAllઆગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું ભારે...

આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું ભારે વરસાદનું ‘યલો એલર્ટ’

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

રાજ્યમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરથી હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ પસાર થઈ રહ્યો હોવાના કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સાથે વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ‘યલો એલર્ટ’

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, જેને પગલે ત્યાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ પંથકોમાં પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, અમદાવાદના નાગરિકો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે આગામી સમયમાં અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ અને પવનની ગતિ
જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર હળવો કે સામાન્ય વરસાદ થવાની ધારણા છે. આ દિવસો દરમિયાન રાજ્યમાં પવનની દિશા બદલાશે. અંદાજે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે પણ કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી ઊંચો રહી શકે છે, જેથી અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે.

ચોમાસું ધીમે-ધીમે આગળ વધ્યું, ગુજરાતમાં હજૂ રાહ જોવી પડશે
ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચોમાસું અત્યારે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગોને આવરી લેશે. મહારાષ્ટ્રમાં આગળ વધ્યા બાદ તે ગુજરાત તરફ પ્રયાણ કરશે. જોકે, રાજ્યમાં ચોમાસાના સત્તાવાર અને પૂર્ણ સ્તરે આગમન માટે ગુજરાતીઓએ હજુ થોડી રાહ જોવી પડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments