
નવપ્રવેશી બાળકોને કીટ વિતરણ સાથે શત-પ્રતિશત નામાંકન • શિક્ષણની ગુણવત્તા સુધારવા અને ડ્રોપઆઉટ ઘટાડવા માર્ગદર્શન
ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન, વૃક્ષારોપણ અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો

મોરબી, તા. ૨૩ જૂન ૨૦૨૬
રાજ્યવ્યાપી ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત મોરબી વહીવટી તંત્રના રૂટ નં. ૧ હેઠળ આવતા આંબાવાડી, નાની વાવડી અને રાજપર ગામની આંગણવાડી, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ તથા ધોરણ-૯માં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટો અર્પણ કરવામાં આવી હતી તેમજ તમામ બાળકોનું ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ વાલીઓ સાથે બેઠક યોજી શિક્ષણની ગુણવત્તા સુધારવા, શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મધ્યાહ્ન ભોજનની ગુણવત્તાની પણ સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓમાંથી રેન્ડમ પસંદગી કરી તેમના વાંચન, લેખન અને ગણન કૌશલ્યનું મૂલ્યાંકન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન CET, NMMS, જ્ઞાનસાધના, જવાહર નવોદય અને SSC બોર્ડની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર દાતાશ્રીઓનું શીલ્ડ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોના પાલનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, તાલુકા પંચાયત પ્રમુખ તુલસીબેન મારવાણીયા, વેટરનરી ઓફિસર એન.ડી. ભાડજા, સ્થાનિક કાઉન્સિલરો, સરપંચો, ગ્રામજનો, આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન શૈલેષ કાલરીયા અને શિરીષ રાંકજાએ કર્યું હતું.






















