HomeAllમોરબી જિલ્લામાં ૨૮થી ૩૦ જૂન દરમિયાન રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ યોજાશે, ૧.૨૧ લાખથી...

મોરબી જિલ્લામાં ૨૮થી ૩૦ જૂન દરમિયાન રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ યોજાશે, ૧.૨૧ લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવાશે

મોરબી, તા. ૨૭ જૂન: ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો હોવા છતાં વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ પોલિયોનું અસ્તિત્વ હોવાથી આ વાયરસ ફરી દેશમાં પ્રવેશ ન કરે તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૨૮થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા અને શહેરના ૦થી ૫ વર્ષના કુલ ૧,૨૧,૫૮૪ બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે.

આરોગ્ય વિભાગના આયોજન મુજબ ઝુંબેશના પ્રથમ દિવસે તા. ૨૮ જૂન, રવિવારે જિલ્લાભરના ૬૧૯ નિયત પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. ત્યારબાદ તા. ૨૯ અને ૩૦ જૂને આરોગ્ય વિભાગની ૧,૧૩૭ ટીમો બૂથ પર આવવાથી વંચિત રહી ગયેલા બાળકોને ઘરે-ઘરે જઈને આવરી લેશે.

આ ઉપરાંત શ્રમિક પરિવારોના બાળકો સુધી પહોંચવા માટે સિરામિક ઉદ્યોગ વિસ્તારો, વાડી વિસ્તારો, ઝૂંપડપટ્ટી વિસ્તારો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હાઈવે તેમજ અન્ય જાહેર સ્થળોએ મોબાઇલ ટીમો દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી એક પણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે ૧,૧૩૭ આરોગ્ય કર્મચારીઓની ટીમ મેદાનમાં ઉતરશે. કામગીરીના અસરકારક સુપરવિઝન માટે ૧૧૮ રૂટ સુપરવાઈઝર, ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને ૬ અર્બન હેલ્થ સેન્ટર (UHC)ના મેડિકલ ઓફિસર્સ તેમજ ૫ તાલુકા હેલ્થ ઓફિસર્સ સતત દેખરેખ અને મોનિટરિંગ કરશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહે જિલ્લાના તમામ વાલીઓને અપીલ કરી છે કે દેશને કાયમી પોલિયો મુક્ત રાખવાના આ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બની તા. ૨૮ જૂન, રવિવારે પોતાના ૦થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ અચૂક પોલિયોના ટીપાં પીવડાવે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments