
મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકનું સંચાલન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સમીક્ષા કરાઈ હતી તેમજ આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની જવાબદારી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપાયું હતું.

જેમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદમાં સલામત આશ્રય સ્થાનો પર રાખવા માટેની વ્યવસ્થા કરવા, ભારે વરસાદની આગાહી અંગે લોકોને સાવચેતીના સંદેશ સમયસર પહોંચાડવા, ડી-વોટરિંગ પાઇપ, હોળી, દોરડા, જનરેટર સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવા સહિતની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

કલેકટરે વધુ વરસાદમાં જાન-માલ હાની ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા તેમજ તમામ અધિકારીઓને સચેત એપ ડાઉનલોડ કરવાની સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મનપા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


























