HomeAllમોરબી જિલ્લામાં ૧૧ જુલાઈ સુધી માત્ર ૯.૫૭ ટકા વરસાદ, એક દાયકામાં સૌથી...

મોરબી જિલ્લામાં ૧૧ જુલાઈ સુધી માત્ર ૯.૫૭ ટકા વરસાદ, એક દાયકામાં સૌથી નબળું ચોમાસું : ખેડૂતોમાં ચિંતા

મોરબી, તા. ૧૨ જુલાઈ: અલ નીનોની અસર અને ચોમાસાના વિલંબને કારણે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની સ્થિતિ અત્યંત નિરાશાજનક રહી છે. ૧૧ જુલાઈ, ૨૦૨૬ સુધીના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં સરેરાશ માત્ર ૯.૫૭ ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્લા એક દાયકામાં સૌથી ઓછા વરસાદ ધરાવતા વર્ષોમાંનો એક છે. વરસાદની લાંબી ખેંચને કારણે ખરીફ પાકની વાવણી, આગોતરા વાવેતર અને જળસંગ્રહની સ્થિતિ અંગે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.

જિલ્લાના તાલુકાવાર વરસાદના આંકડા મુજબ માળીયા મિયાણામાં સૌથી વધુ ૮૭ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબીમાં ૫૩ મીમી, વાંકાનેરમાં ૪૫ મીમી, ટંકારામાં ૪૪ મીમી અને હળવદમાં પણ અત્યંત ઓછો વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે.

છેલ્લા દસ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતાં જાણવા મળે છે કે ૧૧ જુલાઈ સુધીના સમયગાળામાં વર્ષ ૨૦૧૮માં માત્ર ૭ ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે ચાલુ વર્ષે ૯.૫૭ ટકા વરસાદ નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની છે. બીજી તરફ વર્ષ ૨૦૧૭માં આ જ સમયગાળા દરમિયાન ૬૦.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ હતો.

જો વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીના સમગ્ર ચોમાસાની સરેરાશની વાત કરીએ તો વર્ષ ૨૦૨૦માં મોરબી જિલ્લામાં સૌથી વધુ ૨૦૯ ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ ૨૦૧૮માં સૌથી ઓછો ૪૩.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો.

હાલની પરિસ્થિતિમાં કેનાલ આધારિત સિંચાઈનો લાભ લઈને આગોતરું વાવેતર કરનાર મોરબી, માળીયા મિયાણા, હળવદ અને ટંકારા વિસ્તારના ખેડૂતો માટે ઉભા પાકને બચાવવાનો પડકાર ઊભો થયો છે. પૂરતા વરસાદના અભાવે ખરીફ પાકની વાવણી પણ ધીમી પડી રહી છે, જેના કારણે કૃષિ ઉત્પાદન પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વરસાદની સતત અછતને કારણે જળાશયો અને ભૂગર્ભ જળસ્તરમાં પણ અસર થવાની શક્યતા ઉભી થઈ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો જિલ્લાના ખેડૂતો ઉપરાંત પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા પર પણ અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવા છતાં ખેડૂતોની નજર હવે સારા વરસાદ પર ટકેલી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments