
મોરબી: શહેરના વિકાસ અને સુવ્યવસ્થિત આયોજનની જવાબદારી સંભાળતી મોરબી મહાનગરપાલિકા પોતાની કચેરીનું જ યોગ્ય આયોજન કરવામાં નિષ્ફળ રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ૧૫ ચેરમેનોની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ તેઓને બેસવા માટે અલગ ચેમ્બર કે બેઠક વ્યવસ્થાની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વહીવટી આયોજન સામે સવાલો ઊભા થયા છે.

મહાપાલિકાની નવી ઇમારતમાં જગ્યાના આયોજનનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. પ્રથમ માળ પર વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ કાર્યરત હોવાથી જગ્યા સંપૂર્ણ ભરાઈ ગઈ છે. જ્યારે બીજા માળે મેયરની ચેમ્બર, ડેપ્યુટી મેયરની ચેમ્બર, સ્ટેન્ડિંગ કમિટી બેઠકખંડ, કોન્ફરન્સ હોલ તેમજ સિટી એન્જિનિયર અને બે ડેપ્યુટી કમિશનરોની ચેમ્બરો ફાળવવામાં આવી હોવાથી ત્યાં પણ કોઈ વધારાની જગ્યા ઉપલબ્ધ નથી.

આ પરિસ્થિતિમાં તાજેતરમાં નિયુક્ત થયેલા ૧૫ ચેરમેનોને બેસવા માટે કોઈ નિશ્ચિત વ્યવસ્થા ન હોવાથી છેલ્લા બે દિવસથી તેઓને સ્ટેન્ડિંગ કમિટીના બેઠકખંડમાં આશરો લેવો પડી રહ્યો છે. જેના કારણે મહાપાલિકાના વહીવટી આયોજન અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે મહાપાલિકાના ભોંયતળિયે આવેલી કેન્ટીનનો વિશાળ હોલ અને કેટલીક ચેમ્બરો હાલ ખાલી પડેલી છે, પરંતુ ત્યાં નગરપાલિકાના સમયની જૂની લાઇટો સહિતનો ભંગાર સંગ્રહિત રાખવામાં આવ્યો હોવાથી તેનો ઉપયોગ થઈ શકતો નથી. જો આ જગ્યા વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવામાં આવે તો નવા ચેરમેનો માટે બેઠક વ્યવસ્થા સરળતાથી ઉભી થઈ શકે તેવી સ્થિતિ હોવાનું માનવામાં આવે છે.

આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતી પડસુંબિયાએ જણાવ્યું હતું કે નવા ચેરમેનો માટે બેઠક વ્યવસ્થાની જરૂરિયાત અંગે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં યોગ્ય આયોજન કરીને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જોકે, શહેરના સુવ્યવસ્થિત વિકાસ અને આયોજનની જવાબદારી સંભાળતી મહાપાલિકા પોતાની કચેરીમાં જ પૂરતી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં મુશ્કેલી અનુભવી રહી હોવાથી તેના વહીવટી આયોજન અને દૂરંદેશી અંગે ચર્ચા શરૂ થઈ છે.



















