HomeAllમોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી વિદ્યુતનગર સોસાયટીને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાના આક્ષેપ, રહિશોએ...

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી વિદ્યુતનગર સોસાયટીને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાના આક્ષેપ, રહિશોએ કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી

મોરબી, તા. 20 જૂન : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી વિદ્યુતનગર સોસાયટીના રહિશોએ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે મોરબી મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રહિશોના જણાવ્યા મુજબ સોસાયટીમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ, સિમેન્ટ રોડ, ગટર તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. જેના કારણે રાત્રિના સમયે અંધકાર છવાઈ રહે છે અને અકસ્માત, ચોરી સહિતની ઘટનાઓનો ભય સતત રહે છે.

આવેદનમાં જણાવાયું છે કે સોસાયટીની શેરી નંબર 1 અને 2માં રોડની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. વરસાદી પાણી ભરાઈ રહેતા રહિશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે સોસાયટી નજીક આવેલી ફાયર સ્ટેશન તરફ જતો માર્ગ પણ જર્જરિત હાલતમાં છે. માર્ગ પર ખાડાઓ અને કાદવના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. ફાયર સ્ટેશન સુધી પહોંચતા માર્ગની ખરાબ સ્થિતિને કારણે તાત્કાલિક સેવાઓને પણ અસર થવાની શક્યતા રહેલી છે.

રહિશોએ કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી સોસાયટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, સિમેન્ટ રોડનું નિર્માણ, ગટર અને વરસાદી પાણીના નિકાલની સુવિધા સહિતની પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. સાથે જ ફાયર સ્ટેશન તરફ જતાં માર્ગનું સમારકામ કરી વાહન વ્યવહાર સુગમ બનાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.

આ પ્રસંગે સ્થાનિક રહિશોએ જણાવ્યું હતું કે જો યોગ્ય સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments