
સમગ્ર મોરબી શહેર માટે ગંભીર ચેતવણી સમાન ઘટના છે. ગઈ કાલે ઘુંટુ રોડ પર બાઈક પર પસાર થઇ રહેલા ભરતભાઈ કૃષ્ણકાંતભાઈ પરમાર પર અચાનક રખડતો ખુંટીયો તૂટી પડતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભરતભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

આ હૃદયદ્રાવક ઘટનાથી એક પરિવારનો આધાર તૂટી ગયો છે. ભરતભાઈનો એકમાત્ર દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે પરિવારજનો પર આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શક્ત સનાળા ગામેથી જયારે તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે સ્વયંભૂ લોકો જોડાયા હતા આખું ગામ હીબકે ચડ્યું હતું.

મોરબીમાં લાંબા સમયથી રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની રહી છે. અનેકવાર રજૂઆત અને ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આજે ફરી એક પરિવાર વિખેરાઈ ગયો છે. શું હજી પણ તંત્ર જાગશે કે નહીં? આ ઘટના તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ છે.

સવાલ એ છે કે હજુ કેટલાં નિર્દોષ લોકોના જીવ આ જ રીતે જતા રહેશે? હજુ કેટલાં પરિવારોનો માળો તૂટી જશે પછી તંત્ર આંખ ખોલશે? મોરબીના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો હવે તંત્ર સામે કડક પગલાંની માંગ ઉઠાવી રહ્યા છે. તંત્રે હવે કુંભકર્ણ નિંદ્રા છોડીને તાત્કાલિક કડક અને અસરકારક કાર્યવાહી કરવી જ પડશે.

રખડતા ઢોરોને કાબૂમાં લેવા માટે સ્પષ્ટ નીતિ, નિયમિત અભિયાન અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી સમયની માંગ છે. જો તંત્ર હજી પણ ઉદાસીન રહેશે તો આવી દુર્ઘટનાઓ અટકાવવી અશક્ય બની જશે અને તેના માટે તંત્રની નિષ્ક્રિયતા જ જવાબદાર રહેશે.
























