HomeAllમોરબી : સિવિલ કોર્ટ અને જિલ્લા કોર્ટના હુકમની અમલવારી પર ગુજરાત હાઈકોર્ટનો...

મોરબી : સિવિલ કોર્ટ અને જિલ્લા કોર્ટના હુકમની અમલવારી પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

પોરબંદરના એડવોકેટ પુંડરીક ઓડેદરાની દલીલોને હાઈકોર્ટએ માન્ય રાખી મહત્વનો હુકમ કર્યો મોરબી સિવિલ કોર્ટમાં વર્ષ 2004 દરમિયાન જાડેજા પ્રતાપસિંહ જાલુભા દ્વારા દાખલ કરાયેલા એક જમીન વિવાદ સંબંધિત દાવામાં મોરબી સિવિલ કોર્ટ તથા ત્યારબાદ જિલ્લા કોર્ટ દ્વારા આપવામાં આવેલા હુકમોની અમલવારીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્થગિત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જૂના નાગડાવાસ ગામે આવેલી આશરે 4 એકર 16 ગુઠા ખેતીની જમીન બાબતે જાડેજા પ્રતાપસિંહ જાલુભાએ દાવો દાખલ કર્યો હતો. દાવામાં જણાવાયું હતું કે,

આહીર કરશનભાઈ હરિભાઈ પાસેથી રૂ. 5,000 લીધા બાદ બે મહિનામાં પરત ચુકવણી કરવાની તથા ચુકવણી ન થાય તો ગીરો દસ્તાવેજને વેચાણ દસ્તાવેજ ગણવાની શરતે જમીન ગીરવે મુકાઈ હતી. આ મામલે મોરબી સિવિલ કોર્ટ દ્વારા તા. 20/12/2017ના રોજ વાદીની તરફેણમાં હુકમ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પ્રતિવાદીએ જિલ્લા કોર્ટમાં રેગ્યુલર સિવિલ અપીલ દાખલ કરી હતી, પરંતુ જિલ્લા કોર્ટ દ્વારા પણ સિવિલ કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો. આ હુકમોને પડકારતી અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં મૂળ પોરબંદરના તથા હાલ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ પુંડરીક ઓડેદરાએ પ્રતિવાદી તરફેથી દલીલો રજૂ કરી હતી.

હાઈકોર્ટ સમક્ષ રજૂ થયેલી દલીલોમાં જણાવાયું હતું કે, નીચલી બંને અદાલતો દ્વારા દસ્તાવેજનું અર્થઘટન કરતી વખતે તથ્યો અને પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

વાદી દ્વારા પોતાની જુબાનીમાં દસ્તાવેજ વેચાણ આધારિત હોવાનો સ્વીકાર કરાયો હોવાનું તેમજ ત્યારબાદના 7/12 દાખલામાં પ્રતિવાદીનું નામ નોંધાયું હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. વધુમાં દલીલ કરવામાં આવી હતી કે, દસ્તાવેજમાં વ્યાજની કોઈ જોગવાઈ ન હોવા સહિતના મુદ્દાઓ તથા સુપ્રીમ કોર્ટના પૂર્વ ચુકાદાઓમાં નક્કી કરાયેલા સિદ્ધાંતોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. આ દલીલોને પ્રાથમિક રીતે ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ કોર્ટ અને જિલ્લા કોર્ટના હુકમોની અમલવારી પર સ્ટે મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં પ્રતિવાદી તરફેથી એડવોકેટ પુંડરીક ઓડેદરા રોકાયેલા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments