
સોશયલ મીડિયા મારફતે મોબાઇલમાં આવતી એપીકે ફાઇલ ખોલવાના કારણે ઘણા લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા છે તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે તેવામાં મોરબીના પંચાસર રોડ પર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા આધેડના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઈલ આવી હતી.

જેને મોબાઈલ ફોનમાં ઓપન કરવાની સાથે જ આધેડ અને તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલ આધેડે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (50)એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેનેરા બેન્ક તથા એરટેલ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ધારકો તથા તપાસમાં ખૂલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા. 2/3 ના રોજ તેઓના મોબાઇલ ફોનમાં આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી .

જે ફાઈલને ઓપન કરવાની સાથે જ તેઓનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેમના એયુ બેંકમાં આવેલ એકાઉન્ટમાંથી 2.95 લાખ રૂપિયા તથા તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી 5,000 રૂપિયા આમ કુલ મળીને 2 એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા આરોપીઓએ તેના જુદી જુદી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા આ રીતે આધેડની સાથે ઠગાઈ કરવામાં આવી હતી. ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.















