
મોરબી : આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાઈલના હુમલાઓ બાદ પેટ્રોલિયમ પેદાશો તથા ગેસના પુરવઠા પર છેલ્લા બે મહિનાથી અસર જોવા મળી રહી છે.

તેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગોને એક મહિનાથી વધુ સમય માટે શટડાઉન લેવાની ફરજ પડી હતી. હવે આ જ અસરના પગલે ડામરના ભાવમાં અચાનક બમણાથી વધુ વધારો નોંધાયો છે તેમજ ડામરની અછત સર્જાતા શહેરમાં માર્ગ નિર્માણના કામો પર પણ ગંભીર અસર પડી છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ, લીલાપરથી બોરીયા પાટી, ક્લીન્દ્રી નદી પુલથી જુના ઘુંટુ રોડ, જેલ ચોકથી લીલાપર ચોકડી, દલવાડી સર્કલથી સરદાર-3, નજર બાગથી ભડિયાદ તથા ઉમિયાનગરથી જુના રફાળેશ્વર રોડ સુધીના માર્ગ કામોને મંજૂરી આપવામાં આવી છે.

તેમ છતાં ડામરના ઊંચા ભાવ અને પુરવઠાની અછતને કારણે કોન્ટ્રાક્ટરોએ ઘણા કામો શરૂ કર્યા નથી અથવા અર્ધવચ્ચે બંધ રાખ્યા છે. મોરબી મહાનગરપાલિકાના ઈજનેર હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ, હાલ શહેરમાં નવા માર્ગોના અનેક પ્રોજેક્ટ ડામરની અછત અને વધતા ખર્ચને કારણે અટવાઈ ગયા છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
























