HomeAllમોરબીમાં ફરી એસીના કોપર પાઇપ ચોર સક્રિય : અયોધ્યાપુરી મંદિર સામેના કોમ્પ્લેક્સમાં...

મોરબીમાં ફરી એસીના કોપર પાઇપ ચોર સક્રિય : અયોધ્યાપુરી મંદિર સામેના કોમ્પ્લેક્સમાં ચોરી CCTVમાં કેદ

માત્ર નવ મિનિટમાં ત્રીજા માળેથી એસીના કમ્પ્રેસરના કોપર પાઇપની ચોરી કરી તસ્કર ફરાર – સિટી એ ડિવિઝન પોલીસે CCTV અને નેત્રમ કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

મોરબી: શહેરમાં અગાઉ દુકાનો અને શોરૂમમાં એસીના કોપર પાઇપની ચોરીની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે ફરી એક વખત આવી જ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. અયોધ્યાપુરી મંદિર સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના ત્રીજા માળેથી અજાણ્યો શખ્સ એસીના કમ્પ્રેસરના કિંમતી કોપર પાઇપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 27 જુલાઈની રાત્રે આશરે 11:54 વાગ્યે અજાણ્યો શખ્સ અયોધ્યાપુરી મંદિર સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે પહોંચ્યો હતો. અહીં લગાવવામાં આવેલા એસીના કમ્પ્રેસરમાંથી કોપર પાઇપ તોડી ચોરી કરી હતી.

CCTV ફૂટેજ મુજબ તસ્કરે માત્ર નવ મિનિટમાં સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી દરમિયાન તેની હિલચાલ કોમ્પ્લેક્સમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી.

ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજ ઉપરાંત શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ કેમેરાના ફૂટેજની પણ તપાસ કરી તસ્કર સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ રવાપર રોડ પર આવેલા ઓમ શોપિંગ કોમ્પ્લેક્સની છત પરથી એકસાથે સાતથી આઠ એસીના કોપર પાઇપની ચોરીની ઘટના પણ સામે આવી હતી. શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે એસીના કોપર પાઇપની ચોરી કરતા તસ્કરો ફરી સક્રિય થયા હોવાની આશંકા ઊભી થઈ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments