વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિના દશાબ્દી વર્ષ નિમિત્તે 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ઉમા હોલ ખાતે આયોજન

મોરબી: વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ (રામકો) દ્વારા સંસ્થાના દશાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં ત્રણ દિવસીય કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન રવાપર વિસ્તારમાં શિવ મંદિર સામે આવેલા ઉમા હોલ ખાતે દરરોજ રાત્રે 8:30 કલાકે કથા યોજાશે.

કૃષ્ણ કથામાં દર્શનાચાર્ય આચાર્ય અજય આર્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ભગવાન કૃષ્ણના જીવનચરિત્ર અને ભગવદ ગીતાના સંદેશને આધુનિક જીવન સાથે સાંકળીને માર્ગદર્શન આપશે. ધર્મ, કર્તવ્ય અને જીવનમાં આવતી વિવિધ સમસ્યાઓના વૈદિક ઉકેલો અંગે સરળ અને જીવનોપયોગી સમજ આપવામાં આવશે.

કથા દરમિયાન આધ્યાત્મિક જીવનની સાથે સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં સફળતા માટે ઉપયોગી માર્ગદર્શન તેમજ જીવનને મૂલ્યનિષ્ઠ અને કર્તવ્યપરાયણ બનાવતા કૃષ્ણના આદર્શો અંગે પણ વિશેષ પ્રકાશ પાડવામાં આવશે.

વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ છેલ્લા 10 વર્ષથી મોરબીમાં સવાર-સાંજ દૈનિક યજ્ઞનું આયોજન કરે છે. ઉપરાંત લોકોના શુભ પ્રસંગોએ કોઈપણ પ્રકારના દાનની અપેક્ષા વિના નિઃસ્વાર્થ ભાવે યજ્ઞ યોજવાની સેવા પણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. સંસ્થાએ 10 વર્ષ પૂર્ણ કરીને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, જેના ઉપક્રમે કૃષ્ણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં આર્ય સમાજ (દક્ષિણ) મોરબી અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, મોરબી સહયોગી સંસ્થા તરીકે જોડાયા છે. મોરબી શહેર તથા આસપાસના વિસ્તારોના ધર્મપ્રેમી નાગરિકોને સહપરિવાર કૃષ્ણ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કથા અંગે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9886320233 પર સંપર્ક કરી શકાશે.



















