
મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ-7 વિસ્તારમાં લાંબા સમયથી ખરાબ રસ્તાઓને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાની દયનીય સ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા રસ્તો સમથળ કરી રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રસ્તાની કામગીરી માટે વિસ્તારમાં જેસીબી મશીન મોકલવામાં આવ્યું હતું. જોકે રસ્તા પર ભારે કાદવ અને ખરાબ સ્થિતિને કારણે કામગીરી શરૂ થતાની સાથે જ જેસીબી મશીન પોતે કાદવમાં ખૂંપી ગયું હતું. જેસીબીનું પાછળનું મોટું ટાયર કાદવમાં ઊંડે સુધી ફસાઈ જતા મશીન આગળ વધી શક્યું નહોતું.

રસ્તો સુધારવા માટે પહોંચેલું જેસીબી જ કાદવમાં ફસાઈ જતાં કામગીરી અટકી પડી હતી. આ ઘટનાએ લાતી પ્લોટ-7ના રસ્તાની હાલત કેટલી ગંભીર છે તેનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. સ્થાનિકોમાં હવે રસ્તાની યોગ્ય અને ટકાઉ રીતે મરામત કરી સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.






















