HomeAllમોરબીના લાતી પ્લોટમાં ઓછા વરસાદે ગારો-કીચડ છવાયો; ઉદ્યોગકાર-વેપારીઓ પરેશાન, તંત્રે 15 દિવસમાં...

મોરબીના લાતી પ્લોટમાં ઓછા વરસાદે ગારો-કીચડ છવાયો; ઉદ્યોગકાર-વેપારીઓ પરેશાન, તંત્રે 15 દિવસમાં શેરીઓ મોટરેબલ કરવાની ખાતરી

મોરબી : મહાપાલિકાને સર્વાધિક ટેક્સ ચૂકવવા છતાં લાતી પ્લોટ ઉદ્યોગ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પૂરતી ન મળતી હોવાની ફરી ફરિયાદ ઉઠી છે. ચોમાસાના ચાર મહિનામાં થોડા વરસાદ પડતાં જ ગારો, કીચડ અને ગંદકી છવાઈ જતાં કારખાનેદારો તથા વેપારીઓ પોતાની દુકાનો-મિલકતો સુધી પહોંચી શકતા નથી, તો ગ્રાહકો પહોંચશે કેવી રીતે તે પ્રશ્ન ઊભો થયો છે. તા. 21ના સંદર્ભે રજૂ થયેલા મુદ્દાઓમાં દર વર્ષે ચોમાસામાં ધંધા બંધ રાખવા જેવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો ઉલ્લેખ થયો.

લાતી પ્લોટમાં ઘડિયાળ ઉદ્યોગના નાના-મોટા અનેક કારખાનાઓ આવેલાં છે, જ્યાં હજારો લોકોને રોજગાર મળે છે. મોરબી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાંથી મહિલાઓ સહિત મોટા પ્રમાણમાં લોકો અહીં રોજગાર માટે આવાઝવાં કરે છે.

ચોમાસાના ચાર મહિના દરમિયાન આ કામદારોને જીવના જોખમે આવાગમન કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. વિસ્તારની શેરીઓમાં થોડા વરસાદે જ ગારો, કીચડ અને ગંદકી ફેલાઈ જતાં નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તેમ છતાં તંત્ર તરફથી નક્કર કામગીરી ન થતી હોવાની ફરિયાદ યથાવત છે.

સ્થાનિક વેપારીઓ ચંદ્રકાંતભાઈ મોઢા અને કરમણભાઈ મકવાણાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 40 વર્ષથી અહીં દુકાન ધરાવે છે, છતાં દર ચોમાસે વિસ્તારની હાલત દયનીય રહે છે. વેપારીઓ અને ઉદ્યોગકારો પોતપોતાની દુકાન કે મિલકત સુધી પહોંચી શકતા નથી, તો ગ્રાહકો માલખરીદી માટે આવશે કેવી રીતે અને લોકો ધંધા-રોજગાર કેવી રીતે ચલાવશે તે અંગે અધિકારીઓ કે પદાધિકારીઓ વિચારતા નથી. રસ્તા બનાવવાની માંગ ઉઠે ત્યારે પદાધિકારી અને અધિકારીઓ આવીને સારા રોડની ‘લોલીપોપ’ આપીને ચાલી જાય છે, એવું તેમણે કહ્યું.

લાતી પ્લોટના ઉદ્યોગકારો સમગ્ર મોરબીમાં મહાપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવે છે, છતાં સારા રસ્તા કેમ મળતા નથી તે મુદ્દે ડેપ્યુટી કમિશનર સંજય સોની સાથે વાતચીત કરવામાં આવી. સોનીના જણાવ્યા મુજબ હાલ લાતી પ્લોટની ઊભી 7 અને આડી 14 શેરીમાં રસ્તાઓને મોટરેબલ બનાવવા કામ ચાલી રહ્યું છે. જ્યાં ભૂગર્ભ અને સ્ટોર્મ વોટર પાઇપલાઇન પથરાઈ છે અને માટીનું પુરણ વ્યવસ્થિત ન થયું હોય, ત્યાં પ્રીમિક્સ નાખીને રસ્તાઓ મોટરેબલ કરવામાં આવી રહ્યા છે.

અધિકારીના કહેવા મુજબ, જો વરસાદ ન પડે તો આગામી 15 દિવસની અંદર લાતી પ્લોટની તમામ શેરીઓ મોટરેબલ થઈ જશે. છતાં, છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાના ચાર મહિના ધંધા-રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ અહીં રચાતી આવી છે. આ ચોમાસામાં શું સ્થિતિ રહેશે તે સમય જ બતાવશે.