HomeAllમોરબીના મોડપર ગામે શિયાળનો આતંક: 5 લોકોને બચકા ભરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

મોરબીના મોડપર ગામે શિયાળનો આતંક: 5 લોકોને બચકા ભરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ

મોરબી: મોરબી તાલુકાના મોડપર ગામે વહેલી સવારે શિયાળે આતંક મચાવતા પાંચ લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે મોરબીની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે વનવિભાગ દ્વારા શિયાળની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મોડપર ગામના સરપંચ સંગીતાબેન કગથરાના જણાવ્યા મુજબ, આજે વહેલી સવારે ગામમાં અચાનક આવી ચડેલા શિયાળે પાંચ લોકોને બચકા ભર્યા હતા. હાલ આ શિયાળ હડકાયું છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક મોડપર ગામે પહોંચી હતી. RFO મકવાણાના જણાવ્યા અનુસાર, ગામ તેમજ આસપાસના સીમ વિસ્તારમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી શિયાળ મળી આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શિયાળ સીમ વિસ્તારમાંથી ગામમાં પ્રવેશ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેને શોધવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

શિયાળ હજુ સુધી પકડાયું ન હોવાથી વનવિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને વહેલી સવારે તેમજ મોડી રાત્રે અનાવશ્યક બહાર ન નીકળવા, બાળકો પર ખાસ નજર રાખવા અને કોઈ જંગલી પ્રાણી નજરે પડે તો તાત્કાલિક વનવિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments