
વાંકાનેર : વાંકાનેર પંથકમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સિંધાવદર ગામ નજીક આશોઈ નદી પર આવેલો એકમાત્ર કોઝવે ધોવાઈ જતા વાંકાનેર-રાજકોટ વચ્ચેનો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોઝવેને થયેલા નુકસાનના કારણે ગત રાત્રિથી જ તંત્ર દ્વારા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે એસ.ટી. બસ સહિત 1000થી વધુ નાના-મોટા વાહનોને ચોટીલા બાઉન્ડ્રી તરફથી વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને લાંબો ફેરો ફરીને પોતાના ગંતવ્યસ્થાને પહોંચવું પડી રહ્યું છે.

દરમિયાન નદીમાં પાણીનું સ્તર ઘટતાં તંત્ર દ્વારા ચાલુ વરસાદ વચ્ચે જ કોઝવેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સતત વરસાદી માહોલને કારણે આ સમારકામની કામગીરી કેટલી અસરકારક અને ટકાઉ રહેશે તે અંગે સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.

સ્થાનિક લોકોએ વરસાદી મોસમ પૂર્ણ થયા બાદ આ કોઝવેનું કાયમી ધોરણે સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી આગામી વરસાદી સિઝનમાં વાંકાનેર-રાજકોટ વચ્ચેનો મહત્વનો માર્ગ ફરીથી અવરોધિત ન થાય અને વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલુ રહી શકે.





















