
મોરબી, તા. 16 જુલાઈ: મોરબી શહેરમાં નટરાજ ફાટક ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના બાંધકામમાં ગુણવત્તાની ગંભીર ખામી સામે આવતા માર્ગ અને મકાન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિભાગની ટેક્નિકલ તપાસ દરમિયાન બ્રિજના એક પિલરના એક ભાગમાં નિર્ધારિત બાંધકામ ધોરણો મુજબ જરૂરી મજબૂતાઈ ન હોવાનું જણાતા કોન્ટ્રાક્ટરને તે પિલર સંપૂર્ણપણે તોડી પાડીને મંજૂર ડિઝાઇન અને ટેક્નિકલ સ્પેસિફિકેશન મુજબ પોતાના ખર્ચે નવો પિલર બનાવવાનો તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતા નટરાજ ફાટક ખાતે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવતી નિયમિત ગુણવત્તા ચકાસણી દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર તરફ આવેલા એક પિલરની એક લિફ્ટમાં નિર્ધારિત સ્ટ્રેન્થ મુજબનું બાંધકામ ન હોવાનું સામે આવ્યું હતું.

જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં માર્ગ અને મકાન વિભાગે સ્થળ તપાસ બાદ કોન્ટ્રાક્ટરને સંબંધિત પિલર તોડી પાડવાનો આદેશ કર્યો હતો. વિભાગના નિર્દેશ મુજબ હાલ કોન્ટ્રાક્ટર દ્વારા પિલર તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હવે સમગ્ર પિલરનું પુનઃનિર્માણ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે કરવાનું રહેશે.

માર્ગ અને મકાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નટરાજ રેલવે ઓવરબ્રિજના બાંધકામની દરેક કામગીરીનું નિયમિત ટેક્નિકલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં પણ ગુણવત્તા સંબંધિત કોઈપણ પ્રકારની ખામી સામે આવશે તો આવી જ કડક સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને ગુણવત્તા બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે આ જ પ્રોજેક્ટમાં અંદાજે બે વર્ષ અગાઉ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હતી. તે સમયે વિભાગીય ચકાસણી દરમિયાન એક પિલરના ઉપરના ભાગનું એલાયમેન્ટ ખસી ગયું હોવાનું જણાતા કોન્ટ્રાક્ટરને તે ભાગ તોડી ફરીથી કેપ કાસ્ટિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે સમયે પણ ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેવી તાકીદ કરવામાં આવી હતી, છતાં ફરી એકવાર બાંધકામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે આશરે રૂ. 76 કરોડના ખર્ચે નિર્માણાધીન આ રેલવે ઓવરબ્રિજ 37 પિલર પર તૈયાર થઈ રહ્યો છે. બ્રિજનો એક છેડો ત્રાજપર ચોકડી તરફ અને બીજો છેડો મહેન્દ્રનગર ચોકડી તરફ જોડાશે, જેના કારણે અંગ્રેજીના ‘Y’ આકારનો ઓવરબ્રિજ તૈયાર થશે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં પ્રોજેક્ટની અંદાજે 60 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને એજન્સીને અત્યાર સુધીમાં રૂ. 28 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર ઓવરબ્રિજ પ્રોજેક્ટ એપ્રિલ-2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ પ્રોજેક્ટના કુલ ખર્ચમાંથી અંદાજે રૂ. 35 કરોડનો હિસ્સો રેલવે વિભાગ દ્વારા ચૂકવવામાં આવશે.


















