
મુંબઈ, તા. 22 : ગરમી અને ઉકળાટથી પરેશાન મુંબઈવાસીઓને ચોમાસાના વરસાદથી રાહત મળી છે. સોમવારની સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અંધેરી સબવે સહિત કેટલાક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં દિવસભર વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ મહિનાની શરૂઆતમાં ચોમાસું દક્ષિણ કોકણ સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ તેની ગતિ ધીમી પડી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું સોલાપુર નજીક અટક્યું હતું. હવે પશ્ચિમ ઘાટ વિસ્તારમાં વાદળોની સક્રિયતા વધતા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બની છે.

આગામી એકથી બે દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો તેમજ દેશના અન્ય ભાગોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હવામાં ભેજનું પ્રમાણ વધતા ચોમાસું ફરી સક્રિય બન્યું છે.

મુંબઈમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાયો હતો. જોકે મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી.

ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બૃહમુંબઈ મહાનગરપાલિકા (BMC) એલર્ટ પર છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા માટે પમ્પિંગ સ્ટેશનો અને મશીનોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થાને અસર ન થાય તે માટે ટ્રાફિક પોલીસ તંત્રને પણ સતર્ક રાખવામાં આવ્યું છે.

ચોમાસાની સક્રિયતાથી ખેડૂતોમાં પણ આશા જાગી છે. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ખરીફ પાકની વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.






















