
સુરેન્દ્રનગર: રાજ્ય સરકાર દ્વારા વીજ લાઈન અને હાઈટેન્શન ટાવરો અંગે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર તેમજ MRC (મલ્ટી-મેમ્બર રેટ કમિટી)ની જોગવાઈઓ સામે ખેડૂતોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર સહિત રાજ્યના ૨૦થી વધુ જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓએ એકત્રિત થઈ કલેક્ટર કચેરી ખાતે ૨૪ મુદ્દાની માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કરી સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ કરી હતી.

ખેડૂત પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે ખેતરોમાંથી પસાર થતી અદાણી અને પાવરગ્રીડ જેવી કંપનીઓની હાઈટેન્શન વીજ લાઈનોના કારણે અકસ્માત, વીજ તાર તૂટવા કે અન્ય ઘટનામાં ખેડૂતો, ખેતમજૂરો તથા પશુઓને જાનહાનિ થવાની શક્યતા રહે છે. નવા પરિપત્રમાં આવા કિસ્સાઓ માટે સ્પષ્ટ વિમા કવચની જોગવાઈ ન હોવાનો મુદ્દો ઉઠાવી સંપૂર્ણ વિમા સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી હતી.

વળતરના દર અંગે પણ ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો. રજૂઆત મુજબ પડોશી રાજ્ય રાજસ્થાનમાં માર્કેટ ભાવના ૪00 ટકા જેટલું વળતર આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં ૨00 ટકા વળતરની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોને પણ ૪00 ટકા મુજબ વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.

MRC કમિટી દ્વારા જમીનનું મૂલ્યાંકન કરતી વખતે નીચામાં નીચો ભાવ ધ્યાનમાં લેવાની જોગવાઈ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. જમીનનું વળતર વર્તમાન બજાર સ્થિતિને અનુરૂપ ઊંચામાં ઊંચી માર્કેટ વેલ્યુના આધારે નક્કી કરવામાં આવે તેવી માંગ રજૂ કરવામાં આવી હતી.

વીજ લાઈનના કોરિડોરમાં આવતા બોરવેલ, ટીસી તેમજ અન્ય ખેતીલક્ષી બાંધકામોના નુકસાનનો મુદ્દો પણ આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે અંદાજે ૬૭ મીટરના કોરિડોર વિસ્તારમાં આવતા અને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બોરવેલ સહિતની સુવિધાઓને નુકસાન થાય તો સંબંધિત કંપની દ્વારા તેનું પૂરતું વળતર આપવામાં આવે તેવી સ્પષ્ટ જોગવાઈ હોવી જોઈએ.

ફળદ્રુપ ખેતીની જમીન પર વીજ લાઈન અને ટાવરોની અસર ઘટાડવા માટે શક્ય હોય ત્યાં વીજ લાઈનોને દરિયાકાંઠા કે રણ વિસ્તાર જેવા વૈકલ્પિક માર્ગોથી પસાર કરવા તેમજ અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને મોનોપોલ ટાવર જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવા પણ માંગ કરવામાં આવી હતી.

ખેડૂત પ્રતિનિધિઓએ વિવિધ ગ્રામ પંચાયતોના ઠરાવો અને સંબંધિત દસ્તાવેજો સાથે ૨૪ મુદ્દાનું વિસ્તૃત માંગણીપત્ર કલેક્ટરને સુપરત કર્યું હતું. સાથે જ ખેડૂતોના જીવન, જમીન અને આજીવિકાને અસર કરતા મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડી નવા પરિપત્રની જોગવાઈઓમાં ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.


















