વિશ્વ હિપેટાઇટિસ દિન નિમિત્તે મોરબીમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

“Let’s Break It Down” થીમ હેઠળ હિપેટાઇટિસ B અને C સહિત વિવિધ રોગો અંગે અંદાજે 100 લાભાર્થીઓને માર્ગદર્શન અપાયું

મોરબીમાં: વિશ્વ હિપેટાઇટિસ દિન-2026ની ઉજવણી નિમિત્તે “Let’s Break It Down” થીમ હેઠળ મહારાણી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. પી.કે. શ્રીવાસ્તવ તેમજ જિલ્લા ક્ષય અધિકારી (DTO) ડૉ. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 100 લાભાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષ જોશીએ હિપેટાઇટિસ B અને C અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હિપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના લક્ષણો, બચાવના ઉપાયો, રસીકરણ, સમયસર તપાસ અને ઉપલબ્ધ સારવાર અંગે લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત HIV/AIDS, સિફિલિસ, ટીબી અને લેપ્રસી સહિતના રોગોના લક્ષણો, તપાસ, નિવારણ અને આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ સારવાર તથા આરોગ્ય સેવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનજાગૃતિના હેતુથી કાર્યક્રમ દરમિયાન IEC સામગ્રીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ હિપેટાઇટિસ અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો, સમયસર તપાસ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ રોગ નિવારણ માટે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા લોકોને પ્રેરિત કરવાનો હતો.