HomeAllપાણીનો બગાડ અને કચરો સળગાવનાર સામે મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી

પાણીનો બગાડ અને કચરો સળગાવનાર સામે મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી

મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા શહેરના વોર્ડ નંબર-૭ની અચાનક મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને નાગરિક શિસ્ત અંગે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જાહેરમાં પાણીનો બગાડ કરતા તેમજ કચરો સળગાવતા લોકોને કડક ચેતવણી આપી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

કમિશનરે આસ્વાદ પાનથી લઈને દાઉદી વ્હોરા વિસ્તાર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ જીવીપી પોઈન્ટ, ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થા તથા જાહેર સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વધારાના નગરપાલિકા સફાઈ કર્મચારીઓને કામગીરી વધુ સઘન બનાવવા પણ સૂચના આપવામાં આવી હતી.

ત્રિકોણબાગ વિસ્તાર તથા જાહેર શૌચાલયોની સફાઈ વ્યવસ્થા અંગે પણ કમિશનરે સ્થળ પર જઈ સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સુધારાત્મક પગલાં લેવા તાકીદ કરી હતી.

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી નાસ્તા ગલી પાસે આવેલી નાળાની તાત્કાલિક સફાઈ કરવા તેમજ જાહેર માર્ગ પરના નડતરરૂપ દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જાહેર માર્ગ પર ચા-નાસ્તાનો ધંધો કરતા કેટલાક વેપારીઓ દ્વારા ગેરવ્યવસ્થા ઉભી થતી હોવાના મુદ્દે પણ કમિશનરે ગંભીર નોંધ લીધી હતી.

જાહેર સ્થળોએ પાણીનો બગાડ કરવો, કચરો સળગાવવો તથા ગંદકી ફેલાવવી જેવી પ્રવૃત્તિઓ સામે મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments