
મોરબી : મોરબી મહાનગર પાલિકામાં નોકરી કર્યા વગર જ પગાર હડપ કરવાના બોગસ હાજરી કૌભાંડમાં હવે વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વર્કશોપ વિભાગમાં બહાર આવેલા કૌભાંડની તપાસ દરમિયાન વધુ આઠ રોજમદાર કર્મચારીઓએ પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી ખોટી હાજરી પૂરતા હોવાનું સામે આવતા મનપા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગર પાલિકાના વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક રોજમદાર કર્મચારીઓની એક જ સમયે હાજરી નોંધાતી હોવાની શંકા ઉભી થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક કર્મચારી પોતાની હાથની અલગ અલગ આંગળીઓનો ઉપયોગ કરી ગેરહાજર કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી નોંધાવતો હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે અગાઉ ૧૩ કર્મચારીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ચાલી રહેલી વધુ તપાસમાં હવે વધુ આઠ રોજમદાર કર્મચારીઓ પણ બોગસ હાજરી કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.


કૌભાંડના પગલે હવે મહાનગર પાલિકા તંત્ર દ્વારા અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા અંદાજે ૬૦૦ કર્મચારીઓની ક્રોસ ચકાસણી શરૂ કરવામાં આવી છે. મનપાના અન્ય વિભાગોમાં પણ આવી ગેરરીતિ ચાલી રહી છે કે કેમ તે મુદ્દે સઘન તપાસ હાથ ધરાઈ છે.
























