HomeAllપેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની...

પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભારતે ઈંધણના ક્ષેત્રમાં એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ(E20)ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર સીધું E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નવા બદલાવનો અર્થ એ છે કે હવે ગાડીઓમાં પેટ્રોલ ઓછું અને ઈથેનોલનું પ્રમાણ વધારે હશે. અહેવાલો મુજબ, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુલ અંગેના નિયમો જાહેર કરી શકે છે, જેના પર આંતરિક સંમતિ બની ચૂકી છે અને પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

ઓઇલ આયાત પર નિર્ભરતામાં ઘટાડો

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90% ઓઇલ આયાત કરે છે, જે દેશની તિજોરી પર મોટો બોજ નાખે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓઇલ સંકટ ગંભીર બન્યું છે ત્યારે ઈથેનોલ બ્લન્ડિંગ એ દેશ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ પણ અગાઉ નોંધ્યું હતું કે એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર 1-2% ઈથેનોલ ભેળવવામાં આવતું હતું, જે હવે 20% સુધી પહોંચ્યું છે. આ ફેરફારને કારણે વાર્ષિક આશરે સાડા ચાર કરોડ બેરલ જેટલું ઓઇલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે. ઈથેનોલ ખાસ કરીને શેરડી, મકાઈ અને અનાજમાંથી બનાવવામાં આવે છે, જે રિન્યુએબલ હોવાની સાથે પ્રદૂષણ પણ ઘટાડે છે અને તેનાથી સીધો ફાયદો દેશના ખેડૂતોને થશે.

નીતિન ગડકરીનો ફ્લેક્સ એન્જિન પર ભાર

જોકે, E85 ફ્યુલનો ઉપયોગ સામાન્ય એન્જિન ધરાવતી ગાડીઓમાં કરી શકાશે નહીં. આ માટે ખાસ પ્રકારના ‘ફ્લેક્સ-ફ્યુલ વ્હીકલ'(FFV) એન્જિનની જરૂર પડશે. સામાન્ય એન્જિનમાં જો વધુ પડતા ઈથેનોલવાળું ઈંધણ વાપરવામાં આવે તો એન્જિનના પાર્ટ્સ ખરાબ થવાની અને પરફોર્મન્સ ઘટવાની શક્યતા રહેલી છે. આથી જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત વાહન ઉત્પાદક કંપનીઓને ફ્લેક્સ ફ્યુલ એન્જિન બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.

પેટ્રોલ પંપ પર નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર

આ યોજનાના અમલીકરણ માટે પેટ્રોલ પંપો પર પણ અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નોઝલ અને સ્ટોરેજ સિસ્ટમ તૈયાર કરવી પડશે. આગામી સમયમાં E85 ફ્યુલ ભારતના ઓટો અને એનર્જી સેક્ટરમાં મોટો બદલાવ લાવશે, જે ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્ત્વનું સાબિત થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments