સૌરાષ્ટ્રભરના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા; નાગરિકોને અમદાવાદ સુધી 300થી 400 કિમીના ધક્કામાંથી મુક્તિ આપવા રાજકોટમાં હાઈકોર્ટ બેંચની માંગ

મોરબી: સૌરાષ્ટ્રના નાગરિકોને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી લાંબું અંતર કાપવું ન પડે અને સરળ તથા સસ્તો ન્યાય સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બને તે હેતુથી રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચ શરૂ કરવાની માંગ ઉગ્ર બની છે. આ માંગને લઈને મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ શરૂ કરવા અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના મધ્યસ્થ કેન્દ્ર એવા રાજકોટમાં હાઈકોર્ટ બેંચ કાર્યરત થાય તો સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારી અધિકારીઓ, પોલીસ અને વકીલોને પણ ન્યાયિક કામગીરીમાં મોટી સુવિધા મળી શકે.

હાલ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી નાગરિકોને હાઈકોર્ટ સંબંધિત ન્યાયિક કાર્યવાહી માટે અંદાજે 300થી 400 કિલોમીટર દૂર અમદાવાદ સુધી જવું પડે છે. જેના કારણે સમય અને ખર્ચનો વધારાનો બોજ સહન કરવો પડે છે. રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ થાય તો સૌરાષ્ટ્રના નાગરિકોને નજીકમાં અને ઓછા ખર્ચે ન્યાયિક સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ શરૂ કરવાની માંગના સમર્થનમાં આજે સૌરાષ્ટ્રભરના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા હતા. મોરબીમાં પણ વકીલોએ કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવી ‘હાઈકોર્ટ બેંચ લઈને રહીશું’ના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

વકીલ મંડળ દ્વારા સામાન્ય પ્રજાને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ શરૂ કરવાની માંગ પર યોગ્ય નિર્ણય લેવા સંબંધિત સત્તાધીશો સમક્ષ આવેદનપત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે.


























