મોરબીની ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટના 200મા નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહ યોજાયો

મુંબઈના વિખ્યાત કેન્સર સર્જન અને મોરબીના પનોતા પુત્ર ડો. વિક્રમભાઈ સંઘવીનું વિવિધ સંસ્થાઓ અને જૈન સંઘો દ્વારા બહુમાન

મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મોરબી સંચાલિત અને મહેતા કુટુંબ પરિવાર પ્રેરિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 36 વર્ષથી દર બે માસે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આયોજિત કેન્સર નિદાન કેમ્પની શ્રેણીએ 200 કેમ્પ પૂર્ણ કરતાં રવિવાર, તા. 26 જુલાઈ 2026ના રોજ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

સમારોહના અધ્યક્ષસ્થાને જ્ઞાતિના પ્રમુખ ભાવેશભાઈ વી. શાહ રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, કિશોરભાઈ મહેતા, પલ્લવીબેન શેઠ (દુબઈ) અને ચેતનભાઈ એસ. સંઘવી (મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા.

અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ, જૈન સમાજના અગ્રણી ભુપતભાઈ સી. દોશી, ગુણવંતીબેન એમ. શાહ તેમજ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ જયેશભાઈ સી. શાહ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુંબઈના વિખ્યાત કેન્સર સર્જન અને મોરબીના પનોતા પુત્ર ડો. વિક્રમભાઈ સંઘવી તથા તેમના પરિવારનું સંસ્થા તરફથી ભવ્ય બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે જ મોરબીની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિઓ અને જૈન સંઘો દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર (મોરબી-રાજકોટ) રહ્યા હતા. ઉપરાંત સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી, સ્વ. રેશમાબેન પ્રફુલભાઈ તથા સ્વ. દેવેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ મહેતા (બાદનપર)ના સ્મરણાર્થે પરિવારજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે જ્ઞાતિજમણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી ભાવેશભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.