
ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. રાજ્યમાં સતત વધી રહેલા તાપમાન અને હીટવેવના પ્રકોપને જોતા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકો માટે મહત્વપૂર્ણ ‘હેલ્થ એડવાઈઝરી’ જાહેર કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને આ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે.

નાગરિકો માટે ખાસ સૂચનાઓ
આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બપોરે 12થી થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથા પર ભીનું કપડું અથવા ટોપી રાખવી અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી, છાસ અને લીંબુ શરબતનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો, વડીલો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવા જણાવાયું છે.

તંત્રની સજ્જતા
1 માર્ચ ૨૦૨૬ થી જ રાજ્યમાં હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં દવાઓ, ORS અને IV ફ્લુઈડ્સનો પૂરતો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, દરેક જિલ્લા હોસ્પિટલમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડના ખાસ ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર કરવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં વીજળીનો વપરાશ વધતા ઈલેક્ટ્રિક લોડ ઓડિટ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે.
















