
સૌર, પવન જેવી પુનઃ પ્રાપ્ત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતે ડંકો વગાડ્યો છે અને રાજસ્થાનને પાછળ છોડીને નંબર-વન બની ગયું છે. કેન્દ્ર સરકારના રિન્યુએબલ (પુનઃ પ્રાપ્ય) ઉર્જા મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં રિન્યુએબલ ઉર્જા ક્ષમતા 47178 મેગાવોટ થઇ છે અને વર્ષમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.

સૌર અને પવન ઉર્જાનો તેમાં મોટો હિસ્સો છે. રાજસ્થાનની રીન્યુએબલ ઉર્જા ક્ષમતા 47020 મેગાવોટ છે. ગુજરાત 2024-25માં 13785 મેગાવોટની ક્ષમતા સાથે બીજાક્રમે હતું પરંતુ હવે ક્ષમતા વૃધ્ધિ સાથે પ્રથમક્રમે આવી ગયું છે.

આંકડાકીય રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગુજરાતમાં સૌર ઉર્જા ક્ષમતા 29303 મેગાવોટ,પવન ઉર્જાની 15642 મેગાવોટ, 2103 મેગાવોટ હાઇડ્રો તથા 130 મેગાવોટ બાયોક્ષમતા છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર શાલીની અગ્રવાલે કહ્યું કે ગુજરાતની ઉર્જા ક્ષેત્રે આ મોટી સિધ્ધી છે.

પ્રથમ વખત સમગ્ર દેશમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યો છે. ભારત સરકારે 2031 સુધીમાં 500 ગીગાવોટની રીન્યુએબલ ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો ટારગેટ નકકી કર્યો છે. ગુજરાતે આ લક્ષ્યાંક 100 ગીગાવોટનો રાખ્યો છે.

ગુજરાતે 47 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરી જ લીધી છે અને હજુ અનેક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હોવાથી ટારગેટ હાંસલ થઇ જવાનો વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક યુધ્ધ સંકટ વચ્ચે પણ રીન્યુએબલ ઉર્જાને કારણે ભારતને કોઇ ખરાબ અસર નથી. વિશ્વસ્તરે ઉર્જા ક્ષેત્રે સંકટ સર્જાયું છે.

પરંતુ ગુજરાતમાં રીન્યુએબલ ઉર્જાને કારણે રાહત છે. સરકારે હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સમગ્ર રીન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાત ટોચના સ્થાને પહોંચવા છતાં માત્ર સૌર ઉર્જાને લક્ષ્યમાં લેવામાં આવે તો રાજસ્થાન મોખરે છે.

રાજસ્થાનમાં સોલાર ક્ષમતા 41012 મેગાવોટ છે. રૂફટોપ સોલારમાં ગુજરાત નંબર-વન છે અને 6881 મેગાવોટની ક્ષમતા સાથે સમગ્ર દેશમાં મોખરે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધુ રોકાણ તથા મજબૂત ઇકો સિસ્ટમને કારણે ગુજરાત મોખરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્ષમતામાં મોટો વધારો થયો છે.






















