HomeAllસૌરાષ્ટ્રનાં 34 ડેમોમાં નવા નીર : ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો

સૌરાષ્ટ્રનાં 34 ડેમોમાં નવા નીર : ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો

મોરબી – માળીયાની જીવાદોરી સમો મચ્છુ-2, મચ્છુ-3, ઘોડાધ્રોઇ ડેમ છલકાયા : રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં આવક શરૂ

ગુજરાત-સૌરાષ્ટ્રમાં: સાર્વત્રિક વરસાદથી પાક-પાણીનું ચિત્ર પલટાયું છે. સૌરાષ્ટ્રના રાજકોટ સહિત અનેક જિલ્લાઓના જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. ભાવનગર જિલ્લાનો શેત્રુજી ડેમ ફરી ઓવરફ્લો થયો છે. મોરબી-માળીયાની જીવાદોરી મચ્છુ-2, મચ્છુ-3, ઘોડાધ્રોઇ ડેમ પણ છલકાતા જિલ્લામાં જળ સંકટ હળવું થયું છે.

સૌરાષ્ટ્રમાં પડેલા વ્યાપક વરસાદના પગલે 34 જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના 27 પૈકી 15, મોરબી 10 પૈકી 7, જામનગર 21 પૈકી-4, સુરેન્દ્રનગર 11 પૈકી 7 ડેમમાં નવા નીરની આવક સાથે ભાવનગર જિલ્લાનો શેત્રુજી ડેમ ફરી ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા.

મોરબી તાલુકામાં જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં ઓવરફ્લો થતાં ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતા. ડેમ હેઠવાસના 29 ગામોને સાવચેત રહેવા એલર્ટ કરાયા હતા.

મોરબીના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 ડેમ પણ છલકાતા ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 21 ગામોને એલર્ટ કરાયા હતા.

આ ઉપરાંત મોરબી 10 ડેમ પૈકી અગાઉ બ્રાહ્મણી-2 ડેમ છલકાયો હતો. મોરબીના જિકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઇ ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના અનેક નાના મોટા તળાવો, ચેકડેમો છલકાતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments