
ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની મોસમ દરમિયાન વરસાદની સ્થિતિ અને જળાશયોમાં સંગ્રહિતની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ વરસાદ 25.10 ટકા નોંધાયો છે, જ્યા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65.61 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યભરના જળાશયોમાં પાણીની આવક થવાથી આગામી સમય માટે પાણીની સુરક્ષા અંગે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે, તેમ છતાં અમુક વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની અપેક્ષા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ વરસાદ 25.10 ટકા નોંધાયો છે. ઝોન મુજબના આંકડા જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 35.29 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 27.98 ટકા અને મધ્ય પૂર્વ ઝોનમાં 17.83 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 14.39 ટકા વરસાદ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં સ્થિતિ ચિંતાજનક છે જ્યાં માત્ર 2.14 ટકા જેટલો ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે.

રાજ્યના જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 65.61 ટકા પાણીનો સંગ્રહ થયો છે, જે ખૂબ જ રાહતજનક બાબત છે. રાજ્યના કુલ જળાશયો પૈકી 5 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાઈ ગયા છે. આ ઉપરાંત 20 જળાશયોમાં 70 થી 100 ટકા, 24 જળાશયોમાં 50 થી 70 ટકા, 51 જળાશયોમાં 25 થી 50 ટકા અને 106 જળાશયોમાં 25 ટકા સુધી જળસંગ્રહ થયો છે.





















