
ભારતે વિદેશ વ્યાપાર નીતિમાં મોટો ફેરફાર કરતા બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour)થી બનેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની કાનૂની જોગવાઈ કરી છે. આ પગલું વૈશ્વિક માનવાધિકારના ધોરણો, પારદર્શક સપ્લાય ચેઈન અને જવાબદાર વ્યાપારને પ્રોત્સાહન આપશે.

ભારતે પોતાની વિદેશ વ્યાપાર નીતિ (Foreign Trade Policy – FTP) 2023માં મોટો ફેરફાર કરીને પ્રથમ વખત એવી કાયદાકીયની જોગવાઈ ઉમેરી છે, જેના હેઠળ બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવી શકાશે. આ પગલાને ભારતની વ્યાપાર નીતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન માનવામાં આવી રહ્યું છે. તેનો હેતુ વૈશ્વિક સ્તરે માનવાધિકારોનું રક્ષણ, પારદર્શક સપ્લાય ચેઈન અને જવાબદાર વ્યાપાર (Responsible Trade)ને પ્રોત્સાહન આપવાનો છે.

DGFTને મળી તપાસ અને કાર્યવાહીની સત્તા
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના નવા નોટિફિકેશન હેઠળ, FTPમાં નવો પેરા 2.20B ઉમેરવામાં આવ્યો છે. આ મુજબ, જો કોઈ ઉત્પાદનના નિર્માણમાં સંપૂર્ણ અથવા આંશિક રીતે બળજબરીપૂર્વકની મજૂરીનો ઉપયોગ થયો હોવાના પુરાવા મળશે, તો કેન્દ્ર સરકાર તપાસના આધારે તે ઉત્પાદનને સૂચિત કરીને તેની આયાત પર પ્રતિબંધ મૂકી શકે છે. આ મામલે તપાસની જવાબદારી DGFTની રહેશે, અને આખી પ્રક્રિયા ‘હેન્ડબુક ઓફ પ્રોસિજર્સ’ માં નક્કી કરેલા નિયમો અનુસાર પૂર્ણ કરવામાં આવશે.

પ્રથમ વખત અપાઈ બળજબરીપૂર્વક મજૂરીની સ્પષ્ટ વ્યાખ્યા
નવા નોટિફિકેશનમાં પ્રથમ વખત બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour)ની સત્તાવાર વ્યાખ્યા પણ સામેલ કરવામાં આવી છે. FTPના નવા પેરા 11.64 માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ના ‘ફોર્સ્ડ લેબર કન્વેન્શન, 1930’ (Convention No. 29) નો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ પાસે તેની ઈચ્છા વિરુદ્ધ, ડર, ધમકી કે, કોઈ સજાના દબાણ હેઠળ કરાવવામાં આવેલું કામ બળજબરીપૂર્વકની મજૂરી ગણાશે. આ ફેરફારથી ભવિષ્યમાં આવા કેસોની ઓળખ અને તપાસ માટે સ્પષ્ટ કાનૂની આધાર ઉપલબ્ધ થશે.

કોઈ ચોક્કસ દેશ કે કંપનીનું નામ નથી લેવાયું
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કોઈ ચોક્કસ દેશ, કંપની કે પ્રોડક્ટનું નામ લેવામાં આવ્યું નથી. એટલે કે, આ નિયમ કોઈ એક દેશને નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યો નથી. ભવિષ્યમાં જો કોઈ પણ દેશમાંથી આવતા ઉત્પાદનમાં બળજબરીપૂર્વકની મજૂરીનો ઉપયોગ સાબિત થશે, તો તેની આયાત રોકી શકાશે.

જો કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનના શિનજિયાંગ (Xinjiang) પ્રદેશમાં બનતી કેટલીક ચીજવસ્તુઓને લઈને ભારે ચર્ચા થતી રહી છે. અમેરિકા, સંયુક્ત રાષ્ટ્રના કેટલાક નિષ્ણાતો અને માનવાધિકાર સંગઠનો આક્ષેપ કરતા રહ્યા છે કે, ત્યાં ઉઇગર મુસ્લિમ સમુદાય અને અન્ય લઘુમતીઓ પાસે બળજબરીપૂર્વક મજૂરી કરાવવામાં આવે છે. જો કે, ચીન આ આરોપોને સતત નકારતું આવ્યું છે.

અમેરિકા અને યુરોપ પહેલાથી જ બનાવી ચૂક્યા છે કડક નિયમો
વિશ્વના અગ્રણી અર્થતંત્રો આ મુદ્દે અગાઉથી જ કડક વલણ અપનાવી ચૂક્યા છે. અમેરિકાએ ‘ઉઇગર ફોર્સ્ડ લેબર પ્રિવેન્શન એક્ટ’ (UFLPA) લાગુ કરીને શિનજિયાંગ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સની આયાત પર કડક નિયમો લાદ્યા છે. બીજી તરફ, યુરોપિયન યુનિયન (EU) એ પણ આવા ઉત્પાદનોને પોતાના માર્કેટથી દૂર રાખવા માટે નવું નિયમનકારી માળખું તૈયાર કર્યું છે. કેનેડા સહિતના વિકસિત દેશોએ પણ સપ્લાય ચેઈનમાં માનવાધિકારના પાલન માટે કડક કાયદા બનાવ્યા છે.

ભારત માટે આ નિર્ણય કેમ મહત્વનો છે?

ભારત આ પગલું એવા સમયે ભરી રહ્યું છે, જ્યારે તે પોતાની જાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. આ સાથે જ યુરોપ, બ્રિટન અને અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

આજના ગ્લોબલ બિઝનેસમાં માત્ર સસ્તી કિંમત અને સારી ગુણવત્તા જ મહત્વની નથી, પરંતુ સપ્લાય ચેઈનની પારદર્શિતા, પર્યાવરણીય, સામાજિક અને વહીવટી (ESG) ધોરણો તેમજ માનવાધિકારોનું પાલન પણ વ્યાપારનો મહત્વનો ભાગ બની ચૂક્યા છે. નિષ્ણાતોના મતે, આ ફેરફાર માત્ર વિદેશ વ્યાપાર નીતિમાં સુધારો નથી, પરંતુ તે સંકેત છે કે, ભારત પણ વૈશ્વિક વ્યાપારમાં એથિકલ ટ્રેડ (Ethical Trade) અને રિસ્પોન્સિબલ સપ્લાય ચેઈન (Responsible Supply Chain)ના ધોરણો અપનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.















