HomeAllસરકાર સામે અવાજ ઉઠાવતા દબાણના પ્રયાસો થઈ રહ્યા હોવાનો કારૂભાઈ અમૃતિયાનો આક્ષેપ

સરકાર સામે અવાજ ઉઠાવતા દબાણના પ્રયાસો થઈ રહ્યા હોવાનો કારૂભાઈ અમૃતિયાનો આક્ષેપ

મોરબી, તા. 12 જુલાઈ : ખેડૂત આંદોલન દરમિયાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મંત્રીના ભાઈ કારૂભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ અને ખનિજ વિભાગ તેમજ પીજીવીસીએલની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ રોયલ્ટી બુક, સ્ટોક તથા ખાણમાંથી કરવામાં આવેલા ખનનની વિગતો સહિત વિવિધ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ કાર્યવાહી બાદ કારૂભાઈ અમૃતિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કારૂભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તપાસ સમયે તેઓ સ્થળ પર હાજર નહોતા, પરંતુ બાદમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ હંમેશા કાયદેસર રીતે વ્યવસાય કરે છે અને તમામ નિયમોનું પાલન કરે છે. તેમની રોયલ્ટી માટે કાયમી રૂ. 5 લાખથી વધુની એડવાન્સ રકમ જમા રહેતી હોવાનું તેમજ અગાઉ રાજકોટમાં પણ રૂ. 2 લાખ જેટલી એડવાન્સ રકમ જમા રહેતી હોવાનું તેમણે જણાવ્યું હતું. અધિકારીઓને જરૂરી તમામ તપાસ કરવા માટે તેઓ સંપૂર્ણ સહકાર આપશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

કારૂભાઈ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ એ સાબિત કરી આપે કે તેમણે કોઈ પાસેથી રૂ. 500 પણ ગેરરીતે માંગ્યા હોય અથવા કોઈની સાથે અન્યાય કર્યો હોય તો તેઓ પોતાના બાપ-દાદાની તમામ મિલકત આપી દેવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે તેઓ દેશભક્તિ માટે અને દેશના હિત માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છે.

સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે કાર્યવાહી થઈ રહી હોવાના સવાલના જવાબમાં કારૂભાઈ અમૃતિયાએ આક્ષેપ કર્યો હતો કે સરકાર વિરુદ્ધ બોલનારને દબાવવાના અને હેરાન કરવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે તેઓ કોઈપણ પ્રકારના દબાણથી ડરવાના નથી અને તમામ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

ખેડૂત આંદોલન અંગે તેમણે જણાવ્યું હતું કે આંદોલનને દબાવવા અથવા તોડવાના ગમે તેવા પ્રયાસો કરવામાં આવે છતાં ખેડૂતોની લડત ચાલુ રહેશે. તેમણે દાવો કર્યો હતો કે નાના ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી અને તેઓ અન્યાયનો ભોગ બની રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અવાજ દબાવવાના પ્રયાસનો ભાગ હોવાનું પણ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments