HomeAllસતત ચોથા વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી મોરબીએ રચ્યો...

સતત ચોથા વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી મોરબીએ રચ્યો નવો ઇતિહાસ

ઔદ્યોગિક નગરી તરીકે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો હવે શિક્ષણ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ મોડેલ બની ઉભર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના હકારાત્મક અભિગમ, શિક્ષણલક્ષી સુધારાઓ અને સુદ્રઢ અમલવારીના પરિણામે મોરબી આજે રાજ્યનું અદ્યતન ‘એજ્યુકેશન હબ’ તરીકે વિકસી રહ્યું છે.

તાજેતરમાં જાહેર થયેલા બોર્ડ પરિણામોમાં મોરબી જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. બોર્ડ પરિણામ-૨૦૨૬ મુજબ મોરબી જિલ્લો સતત ચોથા વર્ષે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યો છે. આ સિદ્ધિ માત્ર એક વર્ષનું પરિણામ નહીં પરંતુ મોરબી જિલ્લામાં ઊભા થયેલા મજબૂત અને ગુણવત્તાસભર શૈક્ષણિક માહોલનું પ્રતિબિંબ છે.

માત્ર વિજ્ઞાન પ્રવાહ જ નહીં, પરંતુ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ મોરબી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પાંચમો ક્રમ મેળવ્યો છે, જ્યારે ધોરણ-૧૦ ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છે.

અગાઉ ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મેટ્રો શહેરો તરફ વળતા હતા, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. સરકારના પ્રોત્સાહન, સુવિધાસભર શૈક્ષણિક માળખું અને મોરબીના ઉત્તમ પરિણામોને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ મોરબી તરફ આકર્ષાઈ રહ્યા છે. આ બદલાતો શૈક્ષણિક પ્રવાહ મોરબીને રાજ્યના નવા શૈક્ષણિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યો છે.

મોરબીની આ સફળતા પાછળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સુદ્રઢ આયોજન, શાળાઓના આચાર્યોનું નેતૃત્વ, શિક્ષકોની નિષ્ઠા, શાળા સંચાલકોનો સહકાર, વિદ્યાર્થીઓનો અથાક પરિશ્રમ અને વાલીઓની જાગૃતિ જેવી સમગ્ર ટીમવર્કની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

આ અંગે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હોસ્ટેલ અને નિવાસની સુવિધા ધરાવતી શાળાઓની ઉપલબ્ધતાને કારણે વિદ્યાર્થીઓ ૨૪ કલાક શૈક્ષણિક વાતાવરણમાં રહે છે. પરિણામે તેઓ દૈનિક ૧૨ થી ૧૪ કલાક સુધી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી શકે છે અને મોબાઈલ તથા અન્ય બિનજરૂરી પ્રવૃત્તિઓથી દૂર રહી પોતાના સમયનો સદુપયોગ કરે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં વિષય નિષ્ણાત અને અનુભવી શિક્ષકોની મજબૂત ટીમ કાર્યરત છે, જે વિદ્યાર્થીઓને જટિલ વિષયો પણ સરળતાથી સમજાવે છે. આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો સતત સહયોગ પણ સફળતાનું મહત્વપૂર્ણ કારણ બન્યો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણયો, આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે આજે મોરબી જિલ્લો જ્ઞાન અને કૌશલ્યનું ઉત્તમ મોડેલ બની રહ્યો છે. યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના અથાક પરિશ્રમથી પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ આગામી સમયમાં મોરબીને શિક્ષણ ક્ષેત્રે વધુ ઊંચાઈએ પહોંચાડશે અને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments