HomeAllટ્રાન્સમિશન લાઇન-ટાવરના વળતર માટે મોરબી જિલ્લામાં ‘માર્કેટ રેટ કમિટી’ની રચના તરફ મહત્વપૂર્ણ...

ટ્રાન્સમિશન લાઇન-ટાવરના વળતર માટે મોરબી જિલ્લામાં ‘માર્કેટ રેટ કમિટી’ની રચના તરફ મહત્વપૂર્ણ પગલું

કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રોડ મેપ તૈયાર કરવા બેઠક યોજાઈ

મોરબી, તા. ૧૦ જુલાઈ: મોરબી જિલ્લામાંથી પસાર થતી વિવિધ ટ્રાન્સમિશન લાઇનોના કારણે અસરગ્રસ્ત થતા ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને ન્યાયસંગત વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નીતિના અમલીકરણને વેગ આપવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોરબી જિલ્લામાં વહેલી તકે ‘માર્કેટ રેટ કમિટી’ (MRC)ની રચના માટે રોડ મેપ તૈયાર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તા. ૦૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા નવા ઠરાવના અનુસંધાને જિલ્લામાં પારદર્શક અને સમયબદ્ધ પ્રક્રિયા શરૂ થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના પ્રતિનિધિઓને નવી નીતિ, નિયમો અને પ્રક્રિયાથી વિગતવાર અવગત કરાવવામાં આવ્યા હતા તેમજ સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપથી કાર્યવાહી શરૂ કરવા માટે સમજૂતી સાધવામાં આવી હતી. આગામી તબક્કામાં ખેડૂતોના પ્રતિનિધિઓને પણ આ સમગ્ર પ્રક્રિયામાં સહભાગી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ કાર્યરત થનારી ‘માર્કેટ રેટ કમિટી’માં જમીન માલિકોના પ્રતિનિધિઓ તેમજ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. કમિટી અસરગ્રસ્ત જમીનોના બજારભાવનું નિર્ધારણ કરશે તેમજ વળતર સંબંધિત પ્રશ્નોના ન્યાયસંગત અને સુવ્યવસ્થિત નિરાકરણ માટે કામગીરી હાથ ધરશે. સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયામાં ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય અને તેમના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ હોવાનું બેઠકમાં ભારપૂર્વક જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં હાલમાં અદાણી, રિલાયન્સ, પાવરગ્રીડ HVDC સહિતની વિવિધ ટ્રાન્સમિશન કંપનીઓની અલગ-અલગ ક્ષમતાની વીજ લાઇનો પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને યોગ્ય વળતર સુનિશ્ચિત કરવા તથા બજાર આધારિત મૂલ્યાંકન પ્રક્રિયાને પારદર્શક બનાવવા ‘માર્કેટ રેટ કમિટી’ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ વિવિધ ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના ટેકનિકલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments