HomeAllખેડૂતોના પરિશ્રમને મળ્યો પોષણક્ષમ ભાવ: ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ટંકારા તાલુકો રાજ્યમાં...

ખેડૂતોના પરિશ્રમને મળ્યો પોષણક્ષમ ભાવ: ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં ટંકારા તાલુકો રાજ્યમાં પ્રથમ, મોરબી જિલ્લો છઠ્ઠા ક્રમે

મોરબી, તા. ૧૦ જુલાઈ: ખેડૂતોને તેમના પરિશ્રમનું યોગ્ય અને પોષણક્ષમ મૂલ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી લઘુતમ ટેકાના ભાવ (MSP) યોજના મોરબી જિલ્લાના ખેડૂતો માટે આર્થિક સુરક્ષા અને સમૃદ્ધિનું મજબૂત સાધન બની રહી છે. વર્ષ ૨૦૨૬-૨૭ની ઘઉં ખરીદી સીઝનમાં સરકારે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨,૫૮૫ના ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને ખુલ્લા બજારના ભાવના ઉતાર-ચઢાવથી સુરક્ષિત રાખવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે.

આ યોજનાના પરિણામે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાએ સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓમાં સૌથી વધુ ૬૧,૯૪૯ ક્વિન્ટલ ઘઉંની ખરીદી નોંધાવી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાથે જ મોરબી જિલ્લાએ કુલ ૭૭,૪૫૦ ક્વિન્ટલ ઘઉંની વિક્રમી ખરીદી કરીને જિલ્લા રચના બાદનો અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ નોંધાવ્યો છે તેમજ સમગ્ર રાજ્યમાં ગૌરવપૂર્ણ છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ સિદ્ધિ પાછળ જિલ્લાના ૪,૭૦૫ ખેડૂતોની સક્રિય ભાગીદારી અને સુનિયોજિત આયોજન મહત્વપૂર્ણ રહ્યું છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા ચોમાસાના આગમન પહેલાં ખેડૂતોનો પાક સમયસર ખરીદી શકાય તે માટે એસએમએસ દ્વારા ખેડૂતોને જાણ કરી સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે જિલ્લામાં ઘઉં ખરીદીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટંકારા તાલુકામાં ૬૧,૯૪૯ ક્વિન્ટલ (૧,૨૩,૮૯૮ કટ્ટા) ઘઉંની ખરીદી સામે ખેડૂતોને રૂ. ૧૬.૦૧ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. મોરબી તાલુકામાં ૫,૭૯૨.૫ ક્વિન્ટલ (૧૧,૫૮૫ કટ્ટા) ઘઉંની ખરીદી સામે રૂ. ૧.૪૯ કરોડથી વધુ, વાંકાનેર તાલુકામાં ૬,૪૬૧ ક્વિન્ટલ (૧૨,૯૨૨ કટ્ટા) સામે રૂ. ૧.૬૭ કરોડથી વધુ, હળવદ તાલુકામાં ૨,૯૬૮ ક્વિન્ટલ (૫,૯૩૬ કટ્ટા) સામે રૂ. ૭૬.૭૨ લાખ તેમજ માળિયા તાલુકામાં ૨૭૯.૫ ક્વિન્ટલ (૫૫૯ કટ્ટા) સામે રૂ. ૭.૨૩ લાખથી વધુની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

સમગ્ર જિલ્લામાં કુલ ૭૭,૪૫૦ ક્વિન્ટલ (૧,૫૪,૯૦૦ કટ્ટા) ઘઉંની ખરીદી કરીને ખેડૂતોને રૂ. ૨૦.૦૨ કરોડથી વધુની સહાયરૂપ રકમ સીધી જ તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. આ પ્રક્રિયાએ ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

સરકારની ખેડૂતલક્ષી અને લોકકલ્યાણકારી નીતિઓના પરિણામે મોરબી જિલ્લાના ખેડૂતોને ખુલ્લા બજારના ભાવના ઉતાર-ચઢાવ સામે આર્થિક સુરક્ષા મળી છે. ટેકાના ભાવે ઘઉં ખરીદીની સફળ કામગીરીએ ખેડૂતોમાં વિશ્વાસ વધાર્યો છે અને કૃષિ ક્ષેત્રે મોરબી જિલ્લાને રાજ્યમાં આગવું સ્થાન અપાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments