

વાંકાનેરના કણકોટ ગામ પાસે કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડનો એલપીજી બોટલિંગ પ્લાન્ટ આવેલો છે અને ત્યાં પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટર તરીકે કામ કરતા બે કર્મચારીઓ દ્વારા કંપની દ્વારા મોકલવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી કંપનીની જાણ બહાર 92 ટન 656 કિલો ગેસના જથ્થાને બારોબાર વેચી નાખ્યો છે

અને તેના નાણા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવેલ નથી અને 1,52,88,240 ની કિંમતનો ગેસ બારોબાર વેચાણ કરીને કંપની સાથે વિશ્વાસઘાત કરેલ હોય હાલમાં કંપનીના કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહારાષ્ટ્ર ખાતે આવેલ કોન્ફિડન્ટ ટાવર રામદાસ ફ્લેટ સેન્ટ્રલ બજાર રોડ ખાતે રહેતા અને નાગપુરમાં કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લીમીટેડ ખાતે નોકરી કરતા સુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (42)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ રહે હાલ મહાવીરનગર વાંકાનેર મૂળ રહે. રાજસ્થાન તથા ઇલ્યાસ નૂરમામદભાઈ પરાસરા રહે. કણકોટ તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં તેને જણાવ્યુ છે કે, કણકોટ ગામે આવેલ કોન્ફિડન્ટ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડના એલપીજી બોટલિંગ પ્લાન્ટ ખાતે સુરેશકુમાર પ્લાન્ટના ઇન્ચાર્જ તરીકે તથા ઇલ્યાસ પ્લાન્ટના ઓપરેટર તરીકે કામ કરે છે અને બંને આરોપીઓએ કંપની સાથે વિશ્વાસઘાત કરીને કંપની દ્વારા મોકલાવવામાં આવેલ એલપીજી ગેસના જથ્થામાંથી સૂચના મુજબનું વેચાણ ન કરીને સ્ટોરેજ પ્લાન્ટમાંથી 92 ટન 656 કિલો એલપીજી ગેસનો જથ્થો જેની કિંમત 1,52,88,240 રૂપિયા થાય છે તે કંપનીની જાણ બહાર કોઈપણ રીતે બારોબાર વેચાણ કરી નાખેલ છે .
























