HomeAllવીજલાઇન વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર: મોરબીના 11 ગામોમાં 2027ની ચૂંટણી માટે...

વીજલાઇન વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર: મોરબીના 11 ગામોમાં 2027ની ચૂંટણી માટે ભાજપના બહિષ્કારના બેનરો

મોરબી : મોરબી જિલ્લામાં વીજલાઇન અને વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલો સત્યાગ્રહ હવે વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેતપર ગામથી શરૂ થયેલા આંદોલનમાં હવે અન્ય ગામોના ખેડૂતો પણ સક્રિય રીતે જોડાતા સરકાર સામેનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે વીજલાઇન અને વીજપોલના વળતર અંગે તેમની માંગણી અનુસાર સરકાર તાત્કાલિક પરિપત્ર જાહેર કરે, અન્યથા વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી ભાજપના ઉમેદવારોને ગામોમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

આંદોલનના ભાગરૂપે તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ મોરબી જિલ્લાના 11 જેટલા ગામોમાં ભાજપના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેરાળા, લક્ષ્મીનગર, રવાપર (નદી), ટીંબડી, ભરતનગર, ભક્તિનગર, નવા સાદુળકા, દાદાશ્રી નગર, ધરમપુર, હરિપર અને કુંભારિયા ગામોમાં ખેડૂતો અને ગ્રામજનોએ એકજૂથ થઈને વિરોધ નોંધાવ્યો હતો. ગામેગામ લગાવવામાં આવેલા બેનરોમાં ‘જય જવાન, જય કિસાન’ અને ‘ખેડૂત એકતા’ જેવા સૂત્રો સાથે ખેડૂતોની માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે માંગણી મુજબનો પરિપત્ર જાહેર નહીં થાય તો આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાપક્ષના ઉમેદવારોને મત માગવા ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે વીજલાઇન અને વીજપોલના વળતર મુદ્દે સરકાર દ્વારા સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલની પરિસ્થિતિને જોતા આગામી દિવસોમાં મોરબી જિલ્લાના વધુ ગામો આ સત્યાગ્રહમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments