
મોરબી: શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા પરાબજાર મેઇન રોડ પર મંગળવારે સાંજે એક ગંભીર અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. પરાબજારમાં આવેલી અશોક મેડિકલની ઉપર આવેલી જૂની ઇમારતનો લાકડાનો જર્જરિત ભાગ અચાનક તૂટી રોડ પર ધરાશાયી થતાં સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટના સમયે નીચે કોઈ વ્યક્તિ કે વાહન હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મળતી માહિતી મુજબ, સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે ઇમારતનું વર્ષો જૂનું અને સડી ગયેલું લાકડું અચાનક તૂટી પડ્યું હતું. ઘટનાસ્થળ શહેરના મુખ્ય વેપારી વિસ્તારમાં આવેલું હોવાથી દિવસભર અહીં ભારે અવરજવર રહેતી હોય છે. આવા વ્યસ્ત વિસ્તારમાં બનેલી ઘટનાએ વેપારીઓ અને રાહદારીઓમાં ચિંતા ફેલાવી છે.

સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, તેઓ દુકાનમાં હાજર હતા ત્યારે અચાનક જોરદાર ધડાકા સાથે લાકડાનો મલબો નીચે પડ્યો હતો. સદનસીબે તે સમયે નીચે કોઈ પસાર થતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઇમારતનો બાકીનો ભાગ પણ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં છે. જેના કારણે ભવિષ્યમાં વધુ કોઈ અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક વેપારીઓ અને રહિશોએ સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી ઇમારતના જોખમી અને જર્જરિત ભાગને દૂર કરવાની માંગ કરી છે, જેથી વ્યસ્ત પરાબજાર વિસ્તારમાં કોઈ જાનહાનિ જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ન બને.




















