HomeAll‘વિશ્વ યોગ દિવસ’ની મોરબી જિલ્લામાં વ્યાપક અને સુચારુ ઉજવણી માટે જિલ્લા કલેક્ટર...

‘વિશ્વ યોગ દિવસ’ની મોરબી જિલ્લામાં વ્યાપક અને સુચારુ ઉજવણી માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ દિવસ કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સ્થળે સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટ્રાફિક નિયમન સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે પણ જરૂરી સૂચનો કર્યા હતા.

વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પણ કાર્યક્રમોના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ ખાતે યોજાશે. ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે, હળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે, વાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.