
મોરબી, તા. ૮ જુલાઈ : કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે સ્થાનિક સ્તરે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાત દિવસીય “યુવા આપદામિત્ર સ્કીમ” (YAMS) તાલીમ શિબિરનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા જિલ્લામાં ૫૫ યુવાનોને આપત્તિ વ્યવસ્થાપન, બચાવ અને રાહત કામગીરી માટે સજ્જ કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-મોરબી તથા સ્પીપા (SPIPA) ના સંયુક્ત સંકલનથી તા. ૧ જુલાઈથી મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં એન.એસ.એસ. (NSS) ના ૧૮ અને ‘મેરા યુવા ભારત’ (MY Bharat) ના ૩૭ મળી કુલ ૫૫ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) જુથ-૩, મંડાણાના અનુભવી પોલીસ જવાનો દ્વારા તાલીમાર્થીઓને બેઝિકથી એડવાન્સ લેવલ સુધીની આપત્તિ વ્યવસ્થાપન, બચાવ કામગીરી, પ્રાથમિક રાહત, સંકલન અને રેસ્ક્યૂ ઓપરેશન અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન યુવાનોને વાસ્તવિક ફિલ્ડ કામગીરીનો અનુભવ મળે તે માટે બે વિશેષ મોકડ્રિલ અને પ્રેક્ટિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૪ જુલાઈના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલી EMBITO Granito LLP કંપની ખાતે પ્રોપેન ગેસ લીકેજના દૃશ્ય પર આધારીત મોકડ્રિલ યોજાઈ હતી. આ દરમિયાન ફાયર વિભાગ, પોલીસ, જીપીસીબી, ૧૦૮ ઇમરજન્સી સેવા સહિત વિવિધ લાઇન વિભાગોની ટીમો દ્વારા સંકલિત લાઈવ રેસ્ક્યૂ ઓપરેશનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ તા. ૬ જુલાઈના રોજ મચ્છુ-૧ ડેમ ખાતે એસ.ડી.આર.એફ. ટીમ દ્વારા પાણીમાં ડૂબી જવાની ઘટના સમયે અપનાવવામાં આવતી વૈજ્ઞાનિક બચાવ પદ્ધતિઓ અંગે જીવંત ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને પાણીમાં બચાવ કામગીરી માટે જરૂરી સાધનોના ઉપયોગ અને સુરક્ષિત રેસ્ક્યૂ ટેક્નિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમના અંતિમ દિવસે તા. ૭ જુલાઈના રોજ યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિયામક, મોરબી પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર મામલતદાર અને રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તમામ સફળ તાલીમાર્થીઓને ‘યુવા આપદામિત્ર’ તરીકેના સત્તાવાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે એન.એસ.એસ.ના જિલ્લા સંયોજક મયુર જાની તથા MY Bharatના સંયોજક સ્વરૂપ દેસાઈ સહિત ઉપસ્થિત અધિકારીઓએ તાલીમાર્થી યુવાનોને ભવિષ્યમાં કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિના સમયે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન સાધી માનવસેવાના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા શુભેચ્છાઓ પાઠવી હતી.

















