વરસાદી મોસમમાં અવરજવર સરળ બને તે માટે કપચી પાથરી રોડને ચાલવા લાયક બનાવવાની કામગીરી શરૂ


મોરબી, તા. ૮ જુલાઈ: સરદાર પટેલ ટાઉનશીપથી છાત્રાયલ રોડ પર પ્રથમ વરસાદ બાદ અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહિશો તેમજ વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રોડની સ્થિતિ અંગેની રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

વરસાદી મોસમ દરમિયાન રોડ પર અવરજવર સરળ અને સલામત રહે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ રોડ પર કપચી પાથરી તેને તાત્કાલિક ધોરણે ચાલવા લાયક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

તંત્રના જણાવ્યા મુજબ વરસાદી મોસમ દરમિયાન લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહિશોએ પણ સમયસર શરૂ કરાયેલી કામગીરીને આવકારી તંત્ર પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે અને રોડના કાયમી સમારકામની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે.




















