HomeAllહળવદના કોયબા ગામનો સંપર્ક હજુ પણ કપાયો, રસ્તા પર 20 ફૂટ ઊંડું...

હળવદના કોયબા ગામનો સંપર્ક હજુ પણ કપાયો, રસ્તા પર 20 ફૂટ ઊંડું ગાબડું પડતાં ગ્રામજનો મુશ્કેલીમાં

મોરબી/હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ સ્થિતિ સામાન્ય બની નથી. ગામને જોડતા મુખ્ય રસ્તા અને પુલને ભારે નુકસાન પહોંચતાં આખું ગામ હજુ પણ સંપર્ક વિહોણું બન્યું છે. રસ્તા પર અંદાજે 20 ફૂટ ઊંડું તેમજ 30થી 50 ફૂટ લાંબું વિશાળ ગાબડું પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ બંધ થઈ જતાં દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. આવશ્યક સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પૂરના કારણે વીજળીના થાંભલા ધરાશાયી થતાં ગામનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે PGVCLના બે કર્મચારીઓને દોરડાની મદદથી જોખમી રીતે નદી પાર મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ વીજળી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગામમાં કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે અથવા અન્ય કોઈ તાત્કાલિક પરિસ્થિતિ સર્જાય તો એમ્બ્યુલન્સ કે અન્ય વાહન પહોંચી શકે તેવી સ્થિતિ નથી, જેના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તા પર પડેલા ગાબડાનું સમારકામ કરી માર્ગ પૂર્વવત શરૂ કરવા તેમજ ગામનો સંપર્ક પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments