
મોરબી: તા. ૭ ઓગસ્ટ, આગામી ૧૫ ઓગસ્ટે ઉજવાનારા ૭૯મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ગૌરવવંતી ઉજવણી મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે નવલખી રોડ પર આવેલા મેલડી મા મંદિર સામેના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ભવ્ય, સુચારુ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને લઈને વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળની પૂર્વ તૈયારીઓ, સ્ટેજ અને મંડપનું નિર્માણ, મહાનુભાવો તથા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો, ટ્રાફિક નિયંત્રણ, સુરક્ષા વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, રોશની અને સુશોભન, વૃક્ષારોપણ, સ્વચ્છતા તેમજ મેડિકલ ટીમની તૈનાતી સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં નાગરિકોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તેમજ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રીય ગૌરવને અનુરૂપ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહેવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, હળવદ પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





















