
મુંબઇ: ભારતીયોના ઘરોમાં પડેલું અંદાજીત 30,000 ટન સોનુ બહાર લાવવા તથા આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની ફેર સમીક્ષા કરવામાં આવી જ રહી છે. દેશભરના જ્વેલર્સોને તેમાં સામેલ કરવાની વિચારણા છે. આ સ્કીમ હેઠળ લોકોનું જુનુ સોનુ મેળવતા અને સ્કીમમાં આપતા જ્વેલર્સોને સોનાના મૂલ્યનું એક ટકા કમીશન આપવાની દરખાસ્ત પેશ કરવામાં આવી છે.

ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસીએશન દ્વારા સરકારને દરખાસ્ત કરવામાં આવી છે જે અંતર્ગત ગ્રાહકોનું સોનુ મેળવીને રીફાઇનરીને સોંપવાના બદલામાં જ્વેલર્સોને એક ટકાનું કમીશન આપવામાં સંગઠનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે રીફાઇનરીને અપાતા સોનાના નેટ મૂલ્ય પર આ કમીશન માટે સરકારને દરખાસ્તમાં સુચવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનું પુર્નગઠન કરીને તેમાં જ્વેલર્સોને સામેલ કરવાનું વિચારી રહી છે. આ સ્કીમનો ઉદ્ેશ ભારતીયોના ઘરોમાં પડેલું સોનુ બહાર કાઢીને આયાત તથા વિદેશી હુંડિયામણ રોકવાનો છે. સરકાર પ્રથમ વખત આ મહત્વાકાંક્ષી સ્કીમમાં જ્વેલર્સોને સામેલ કરવા માંગે છે.

જ્વેલર્સો જ સ્કીમને પ્રોત્સાહન આપી શકે અને સફળતા અપાવી શકે તેમ હોવાનું સરકારનું માનવું છે. ઇન્ડિયા બુલીયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે ગ્રાહકો જ્વેલર્સો પાસેથી જ દાગીના ખરીદતા હોય છે. ખરીદ વેચાણના તમામ વ્યવહારમાં જ્વેલર્સો જ સેતૂરૂપ હોય છે. સરકાર જ્વેલર્સોને સામેલ કરીને સીધુ કમીશન આપે તો ઝવેરીઓ પણ આકર્ષિત થઇને સ્કીમને વધુને વધુ પ્રમોટ કરી શકે છે. એક રીતે તેઓ સ્કીમના બ્રાન્ડ એમ્બેસેડરનો રોલ ભજવીને સફળતા અપાવી શકે છે.

ફીઝીક્લ વ્યવહારો કરતા થોડી વધુ આવક થાય તો પણ સ્કીમને પ્રમોટ કરી શકે છે. સંગઠને પાઠવેલી દરખાસ્તમાં 0.75 ટકાથી એક ટકાના કમીશનની માંગ કરવામાં આવી છે. કમીશનની ટકાવારીનો અંતિમ નિર્ણય સરકાર પર છોડવામાં આવ્યો છે. દરખાસ્ત સ્વીકારાય તો રીફાઇનરીને અપાતા જુના સોના પર જ્વેલર્સોને સીધો એક ટકાનો નફો થશે. તેઓએ કહ્યું કે બેંકો હસ્તક સ્કીમ હતી પરંતુ તેઓ પાસે યોગ્ય મેનપાવર ન હોવાથી અસરકારક રીતે પ્રમોટ કરી શકી નહતી.

કંઇ બેંક બ્રાંચ સ્કીમમાં સામેલ છે તેની લોકોને પણ જાણ નહતી. નવી સૂચિત સ્કીમમાં સોનુ મેળવવામાં બેંકોની ભૂમિકા નજીવી થઇ જશે. જ્યારે ડીપોઝીટ બેંકો પાસે જ રહેશે. સમગ્ર પ્રક્રિયા જ્વેલર્સો પાસે જ રહેશે. નવી સુધારેલી સ્કીમ તૂર્તમાં રજુ થવાની સંભાવના છે છતાં તેમાં વિલંબ સામે લાલબતી ધરતા તેમણે ઉમેર્યું કે પ્રવર્તમાન રાજકીય માહોલમાં વિરોધપક્ષો વાંધો ઉઠાવી શકે છે.

ગોલ્ડ મોનેટાઇઝેશનમાં સુધારા મામલે છેલ્લા એક પખવાડિયામાં સંબંધિત મંત્રાલયો, બેંકો-રિઝર્વ બેંક તથા ઝવેરી ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે શ્રેણીબધ્ધ બેઠકો થઇ હતી. તહેવારોની સીઝન માથે છે, ધરખમ આયાત જકાત વચ્ચે સોનાના ભાવ ઉંધા છે જ્યારે વ્હેલીતકે નવી સ્કીમ લાગૂ કરવા સૂચવવામાં આવ્યું હતું. ઝવેરાત ઉદ્યોગ દ્વારા સ્કીમ વિશે શ્રેણીબધ્ધ સુચનો કરવામાં આવ્યા જ છે.

2015માં સ્કીમ લોંચ થઇ હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ સૌ પ્રથમ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. લોકોના ઘર-મંદિરોનુ સોનુ બહાર લાવવાનો ઉદ્ેશ હતો. ન્યુનતમ 10 ગ્રામની ડીપોઝીટનો નિયમ હતો. 26 માર્ચ 2025થી સ્કીમ માત્ર 1 થી 3 વર્ષની ડીપોઝીટ માટે જ યથાવત રાખવામાં આવી હતી. લાંબાગાળા માટેની સ્કીમ બંધ કરી દેવામાં આવી હતી.

આ સ્કીમ હેઠળ ગ્રાહકોનુ સોનુ ઓગાળીને ગોલ્ડ ડીપોઝીટ એકાઉન્ટમાં જમા લેવાતું હતું અને તેના પર વ્યાજ અપાતું હતું પાકતી મુદ્તે સોનુ અથવા તેની કિંમત પરત આપવાની જોગવાઇ હતી. ડિજિટલ ગોલ્ડ પર આવતાં વર્ષે નિયમો આવશે ભારતમાં ડિજિટલ ગોલ્ડને લઈને રેગ્યુલેટરી ફ્રેમવર્ક આવતાં વર્ષની શરૂઆતમાં લાગું થઈ શકે નવી દિલ્હી, તા.8 ભારતમાં ડિજિટલ ગોલ્ડને લઈને રેગ્યુલેટરી ફ્રેમવર્ક (નિયમનકારી માળખું) આવતાં વર્ષની શરૂઆતમાં જ લાગું થઈ શકે છે. આ અંગે ડિજિટલ પ્રેશિયસ મેટલ્સ એશ્યોરન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DPMACI) એ છેલ્લાં એક મહિના દરમિયાન નાણા મંત્રાલય, રિઝર્વ બેંક (RBI) અને ગ્રાહક બાબતોનાં મંત્રાલય સાથે ચર્ચાનાં કેટલાક રાઉન્ડ યોજ્યા છે.

નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોને ભાગી જનારી કંપનીઓથી બચાવવાનો છે.DPMACIના ચેરપર્સન નિરૂપમા સુંદરરાજને જણાવ્યું હતું કે, “ડિજિટલ ગોલ્ડ કંપનીઓ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કરવા પર વાતચીત ચાલી રહી છે, જેથી ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરી શકાય. છેતરપિંડી કરતી કંપનીઓને લોકોને ઠગવાની તક ન મળે. અમને આશા છે કે, આવતાં વર્ષ સુધીમાં આ નિયમો લાગું થઈ જશે. ભારતીયો વચ્ચે ડિજિટલ ગોલ્ડ એક રોકાણ તરીકે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.” DPMACI ના જણાવ્યા અનુસાર, રોકાણકારોએ નાણાકીય વર્ષ 26 માં ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા આશરે 10 ટન સોનું એકઠું કર્યું છે. ભારતનાં નીતિ-નિર્માતાઓ નિયમો બનાવતાં પહેલાં ઘણાં દેશોનાં મોડલનો અભ્યાસ કરી શકે છે.

શું છે ડિજિટલ ગોલ્ડ? ડિજિટલ ગોલ્ડ દ્વારા લોકો ફિનટેક એપ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર 24 કેરેટ સોનું ખરીદી અને વેચી શકે છે. તેમાં 10 કે 100 રૂપિયા જેવા ખૂબ જ નાના રોકાણથી પણ શરૂઆત કરી શકાય છે. આ પ્લેટફોર્મ્સ દાવો કરે છે કે તેઓ ગ્રાહકના બદલામાં તેટલું જ અસલી સોનું એક સુરક્ષિત વોલ્ટ (તિજોરી) માં જમા રાખે છે. પાછળથી રોકાણકારો તેને ડિજિટલ રીતે વેચી શકે છે અથવા તો અસલી સોનાની ડિલિવરી મેળવી શકે છે.

કંપનીઓ માટે શું જરૂરી રહેશે? સુંદરરાજને જણાવ્યું કે નવા ફ્રેમવર્ક હેઠળ એ જરૂરી રહેશે કે ગ્રાહકો પાસે જેટલું ડિજિટલ સોનું કે ચાંદી છે, કંપનીઓ પાસે તેનાં બદલામાં તેટલું જ અસલી મેટલ (ધાતુ) મોજૂદ હોય. આ માટે સમયાંતરે બહારથી ઓડિટ કરાવવામાં આવશે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે રિઝર્વમાં રાખેલું સોનું ગ્રાહકોના બેલેન્સ સાથે મેળ ખાય છે. આ સોનું લંડન, યુએઈ કે ભારતીય ધોરણો અનુસાર હોવું જોઈએ. નાણાકીય વર્ષ 26 (FY26) માં રોકાણકારોએ ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા 10 ટન સોનું ખરીદ્યું. ડિજિટલ ગોલ્ડમાં રોકાણની શરૂઆત 10 કે 100 રૂપિયાથી કરી શકાય છે.














