
મોરબી: મોરબી જિલ્લા ખેડૂત એકતા સમિતિ દ્વારા આજે રવાપર ખાતે ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના હિત અને વિવિધ પ્રશ્નોની ચર્ચા માટે યોજાયેલી આ મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.



મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય નેતા રાકેશ ટીકૈત અને રઘુવીરસિંહ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા છે. રવાપર ખાતે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. રાકેશ ટીકૈત, રઘુવીરસિંહ ચૌધરી સહિત મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહાસભાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મહાસભામાં મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂત પ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. જેતપર અને પડધરીના કિસાન આગેવાનો પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા છે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ નયન પટેલ, આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતના આગેવાનોની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. મહાસભા દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો, હિતલક્ષી મુદ્દાઓ અને ખેતી સંબંધિત સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.





















