જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત સત્યાગ્રહની ભારતીય કિસાન યુનિયનના નેતાઓએ મુલાકાત લીધી

મોરબી : જેતપર ખાતે જમીન સંપાદનના મુદ્દે ચાલી રહેલા ખેડૂત સત્યાગ્રહની મુલાકાતે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ રઘુવીરસિંહ ચૌધરી અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈત પહોંચ્યા હતા. બંને ખેડૂત નેતાઓએ સત્યાગ્રહમાં ઉપસ્થિત ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જમીન સંપાદન અને વળતરના મુદ્દે સરકારની નીતિ સામે આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.


રઘુવીરસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને બે ગણું વળતર આપીને કોઈ અહેસાન કરતી નથી. જમીન સંપાદન કાયદો-2013 હેઠળ 100 ટકા સોલેશિયમ અને ચાર ગણું વળતર આપવાની જોગવાઈ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2013 બાદ સર્કલ રેટ રિવાઇઝ કરવાનું બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોની જમીનનું મૂલ્યાંકન ઓછું રહે છે અને ખેડૂતોને તેમની જમીનનો યોગ્ય ભાવ મળતો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે તે કોઈ સરકારી કે જાહેર હેતુની યોજના માટે નહીં, પરંતુ ખાનગી વેપારી અથવા કંપનીના હિત માટે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારે વચેટિયા કે દલાલની ભૂમિકા ભજવવાની જરૂર નથી. ખાનગી કંપની અને જમીન માલિક ખેડૂતોએ સામસામે બેસીને બજાર ભાવ મુજબ સીધી વાતચીત કરીને સોદો કરવો જોઈએ.

રઘુવીરસિંહ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ ખાનગી ઉદ્યોગપતિ અથવા કંપની પોતાના વેપારના વિકાસ માટે ખેડૂતની જમીન મેળવવા માંગતી હોય તો સરકારે વચ્ચે પડવાની જરૂર નથી. સરકારી યોજનાઓ માટે લાગુ પડતા કાયદા ખાનગી કંપનીઓ પર બળજબરીથી લાગુ કરી શકાય નહીં. ખેડૂતો અને કંપની વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરી યોગ્ય બજાર ભાવ તથા ચાર ગણાં વળતર અંગે નિર્ણય લેવો જોઈએ.

ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર થશે તો દેશવ્યાપી આંદોલનની ચેતવણી

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ પણ ખેડૂતોના આંદોલનને દબાવવાના પ્રયાસો થયા છે, પરંતુ હવે ગુજરાતના ખેડૂતો જાગૃત થઈને અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો ગુજરાત સરકાર ખેડૂતો પર લાઠીચાર્જ અથવા અન્ય કોઈ પ્રકારનો અત્યાચાર કરશે તો ભારતીય કિસાન યુનિયન દેશના અન્ય રાજ્યોમાં પોલીસ સ્ટેશનો અને જિલ્લા મથકોનો ઘેરાવ કરશે અને જરૂર પડ્યે દિલ્હી તરફ પણ કૂચ કરવામાં આવશે.

રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા બે ગણાં વળતરના પરિપત્રને ખેડૂતો ફગાવી ચૂક્યા છે. જ્યાં સુધી ખેડૂતોને જમીનના બજાર ભાવ મુજબ ચાર ગણું વળતર નહીં મળે અને તેમની અન્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી જેતપર ખાતેનું ખેડૂત આંદોલન ચાલુ રહેશે.


















