HomeAllજેતપર સત્યાગ્રહ છાવણીમાં આજે રાત્રે ‘ખેડૂત હાર્યો તો દેશ હાર્યો’ નાટકનું આયોજન

જેતપર સત્યાગ્રહ છાવણીમાં આજે રાત્રે ‘ખેડૂત હાર્યો તો દેશ હાર્યો’ નાટકનું આયોજન

ખેડૂત પુત્રી દ્વારા હૃદયસ્પર્શી નાટ્ય રજૂઆત : ધરતીપુત્રોના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન

જેતપર, તા. 9 ઓગસ્ટ : ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી, જેતપર ખાતે આજે રવિવારે રાત્રે 9 વાગ્યે જગતના તાતની વેદના, સંઘર્ષ અને સમર્પણની ગાથા રજૂ કરતું વિશેષ નાટક ‘ખેડૂત હાર્યો તો દેશ હાર્યો’ યોજાશે.

‘જેના હાથમાં હળ છે, એ જ દેશનું બળ છે… ખેડૂત હસે તો દેશ હસે, ખેડૂત હારે તો દેશ હારે…’ના સંદેશ સાથે યોજાનાર આ નાટ્ય પ્રયોગની વિશેષતા એ છે કે તેની રજૂઆત એક ખેડૂત પુત્રી દ્વારા કરવામાં આવશે. ખેડૂત જીવનની મુશ્કેલીઓ, સંઘર્ષ અને દેશ પ્રત્યેના સમર્પણને હૃદયસ્પર્શી રીતે રજૂ કરતું આ નાટક પ્રેક્ષકોમાં સંવેદના અને જાગૃતિ જગાવશે.

આયોજકોના જણાવ્યા મુજબ ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પરંતુ દેશની આર્થિક અને સામાજિક વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પોતાના પર અનેક મુશ્કેલીઓ સહન કરીને દેશના લોકો માટે અન્નનું ઉત્પાદન કરનાર ધરતીપુત્રોના માન-સન્માન અને અધિકારોના સમર્થનમાં આ નાટ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશેષ નાટકના માધ્યમથી ખેડૂતોની લાગણીઓ અને પ્રશ્નોને લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ખેડૂતોના અધિકાર અને સન્માનના સમર્થનમાં નાગરિકો તથા ખેડૂત ભાઈ-બહેનોને આજે રાત્રે જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાટક નિહાળવા માટે ભાવભર્યું આહ્વાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments