
જૂનાગઢ : હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે આવેલી બારમેડા સર્જિકલ હોસ્પિટલમાં ડૉ. શૈલેશ બારમેડા પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ ભવ્ય અને ભક્તિમય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે કલાત્મક રીતે સ્વહસ્તે તૈયાર કરાયેલા સુંદર મંડપમાં માટીમાંથી બનાવવામાં આવેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું વિધિવત્ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી પૂજા-અર્ચના, આરતી, પ્રસાદ અને ગણેશજીનાં દર્શનનો લાભ લીધો હતો.

ઉત્સવ દરમિયાન હોસ્પિટલ પરિસર ગણપતિ બાપ્પાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ત્રીજા દિવસે મહાઆરતી બાદ ભાવિકોએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ ગણેશજીની પ્રતિમાને વિસર્જન સાથે ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

આ ગણેશ ઉત્સવમાં મારુ કંસારા યુવા પ્રગતિ મંડળના સભ્ય પરિવારો, અન્ય જ્ઞાતિજનો, હીરાપન્ના કોમ્પ્લેક્સના સભ્યો, શહેરીજનો અને મિત્રોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર આયોજન દરમિયાન ભક્તિ, શ્રદ્ધા, આનંદ અને સામૂહિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

ઉત્સવને સફળ બનાવવા ડૉ. શૈલેશ બારમેડા તથા તુષારભાઈ છત્રારા સહિત પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. અંતે ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના જયઘોષ સાથે સૌએ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.





















