{{DK_SUBHEADING}}

ગાંધીનગર, તા. 11: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને રૂ. 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડ મળી કુલ રૂ. 3,850 કરોડની રકમ વિકાસ કામો માટે ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે આ રકમના ચેક અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો અને મહાનગરોમાં સુખાકારી તથા સેવા-સુવિધાઓને સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવા પ્રેરક આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સુદૃઢ નાણાં વ્યવસ્થાપનના પરિણામે નગરો-મહાનગરોમાં જનસુખાકારીના કામો માટે હવે નાણાંની કોઈ તંગી રહી નથી.

ચેક વિતરણ અંતર્ગત અમદાવાદને રૂ. 870 કરોડ, સુરતને રૂ. 770 કરોડ, વડોદરાને રૂ. 285 કરોડ, રાજકોટને રૂ. 232 કરોડ, ભાવનગર અને જામનગરને રૂ. 105-105 કરોડ તેમજ જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 65-65 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી મહાપાલિકાને પ્રત્યેક રૂ. 55 કરોડની રકમ આપવામાં આવી છે.

નગરપાલિકા વિસ્તારોના વિકાસ માટે ‘અ’ વર્ગની 41 નગરપાલિકાઓને રૂ. 307.50 કરોડ, ‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓને રૂ. 221 કરોડ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને રૂ. 270 કરોડ અને ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને રૂ. 59.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા કામોના આયોજન સાથે જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિની પણ કાળજી લેવા તથા તમામ વિકાસ કામો ગુણવત્તાયુક્ત બને તે માટે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સાઈટ વિઝિટ કરવા અનુરોધ કર્યો હતો. શહેરોમાં નવા બનનારા રસ્તાઓ આર.સી.ના બને તે અંગે તેમણે તાકીદ કરી હતી તેમજ સ્વચ્છતા પ્રત્યે વિશેષ કાળજી રાખવા સૂચન કર્યું હતું.

શહેરોમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણપ્રિય શહેરો બનાવવા પણ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. નવી બનતી ટી.પી. સ્કીમમાં એક ટકા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાનું જણાવતાં તેમણે આ જોગવાઈનો અસરકારક અમલ કરી બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક સહિતની સુવિધાઓના નિર્માણ માટે તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત કામોમાં ફાળવાયેલા નાણાંનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.


















