{{DK_SUBHEADING}}

મોરબી, 11 ઓગસ્ટ: મચ્છુ જળ હોનારતની ગોઝારી ઘટનાને આજે 47 વર્ષ પૂર્ણ થયા છે. 11 ઓગસ્ટ, 1979ના રોજ મચ્છુ-2 ડેમ તૂટવાથી મોરબી શહેરમાં વિનાશક પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો, માલમિલકત અને ઘર ગુમાવ્યાં હતાં. ઘટનાને વર્ષો વીતી ગયા હોવા છતાં તેની કરુણ યાદો આજે પણ મોરબીને વ્યથિત કરે છે.

મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે મોરબી મહાપાલિકા કચેરીથી મણીમંદિરના પટાંગણમાં આવેલી દિવંગત આત્માઓની ખાંભી સુધી મૌન રેલી યોજાઈ હતી. મૌન રેલીમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

મચ્છુ જળપ્રલયમાં કેટલા લોકોના મૃત્યુ થયા હતા તેનો ચોક્કસ આંકડો આજે પણ સામે આવ્યો નથી. જોકે, 4,200થી વધુ લોકો મચ્છુના પાણીમાં તણાઈ ગયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત હજારો અબોલ જીવોના પણ મોત થયા હતા. પૂર ઓસર્યા બાદ મૃતદેહો વીજપોલ, મકાનની છત, વૃક્ષોની ડાળીઓ અને વીજ વાયરો પર જોવા મળ્યા હતા. આ કરુણ દ્રશ્યો આજે પણ મોરબીને તે ગોઝારી ઘટનાની યાદ અપાવે છે.

મૌન રેલીમાં રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉતમભાઈ સુરાણી, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, પ્રદીપભાઈ વાળા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી શહેર ભાજપના નૈમિષભાઈ પંડિત, જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા અને તપનભાઈ દવે, કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી જે. એમ. આલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

આ ઉપરાંત જયંતિભાઈ પટેલ, રિશિપભાઈ કૈલા, મેઘરાજસિંહ ઝાલા, ભૂપતભાઈ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, કેતનભાઈ વિલપરા, મનુભાઈ બરાસરા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, એલ. એમ. કંઝારીયા, પંકજભાઈ રણસરિયા, રવિન્દ્રભાઈ સનાવડા, કેતનભાઈ બોપલિયા, જયરાજસિંહ જાડેજા, જિજ્ઞેશભાઈ કૈલા, મણિભાઈ સરડવા, જીતુભાઈ પટેલ તથા મહાપાલિકાના ચેરમેનો, ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં શહેરીજનો રેલીમાં જોડાયા હતા.

મૌન રેલી મણીમંદિરના પટાંગણમાં આવેલી દિવંગત આત્માઓની ખાંભી સુધી પહોંચ્યા બાદ ઉપસ્થિત સૌએ મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



















